VADODARA NEWS: ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપની મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડના એક સનસનાટીભર્યા નિર્ણય પર વચગાળાનો સ્ટે આપીને દેશના એક મોટા હિસ્સાને ઉર્જા કટોકટીમાંથી ઉગારી લીધો છે. હાઈકોર્ટે MGVCLને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓ જાહેર ક્ષેત્રની નવરત્ન કંપની ‘ગેઇલ ઇન્ડિયા લિમિટેડ’ના વડોદરા સ્થિત પ્લાન્ટનો વીજ પુરવઠો આગામી બે અઠવાડિયા સુધી કાપી શકશે નહીં. કોર્ટના આ સમયસરના હસ્તક્ષેપને કારણે વડોદરા પ્લાન્ટથી સમગ્ર ઉત્તર ભારતમાં સપ્લાય થતા કુદરતી ગેસનું વિતરણ અટકાતા બચી ગયું છે, જેના લીધે કરોડો ગ્રાહકો અને સેંકડો ઉદ્યોગો પરનો મોટો ખતરો હાલ પૂરતો ટળી ગયો છે.
શું છે સમગ્ર વિવાદ અને પૃષ્ઠભૂમિ?
દેશની અગ્રણી ગેસ સપ્લાયર કંપની GAIL દ્વારા વર્ષ ૨૦૧૮માં વડોદરા ખાતે MGVCL અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની કાયદેસરની મંજૂરીઓ મેળવીને એક સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યરત હતો. તાજેતરમાં કંપનીએ પોતાના આ ગ્રીન એનર્જી પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો અને તેમાં વધુ ૭૭૦ કિલોવોટની ક્ષમતા ઉમેરી હતી, જેના માટે જરૂરી વહીવટી મંજૂરીઓ પણ મેળવી લેવામાં આવી હતી.
પરંતુ, ગત માર્ચ મહિનામાં MGVCL દ્વારા અચાનક એક ટેકનિકલ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. વીજ કંપનીનો દાવો હતો કે GAIL નો આ સોલાર પાવર પ્લાન્ટ ‘મીટરિંગ એગ્રીમેન્ટ’ વિના ચલાવવામાં આવી રહ્યો છે. આ કરારના અભાવે થયેલા કથિત નુકસાનનું મૂલ્યાંકન કરીને MGVCL એ ગેઇલ ઇન્ડિયા પાસે આશરે ₹3 કરોડની જંગી વસૂલાત (પેનલ્ટી) ની માંગણી કરી હતી. વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે 1 જૂન, 2026ના રોજ MGVCL એ કડક આખરી નોટિસ ફટકારીને ચીમકી આપી કે જો આ દંડની રકમ તાત્કાલિક ચૂકવવામાં નહીં આવે, તો વડોદરા પ્લાન્ટનું વીજ જોડાણ કાપી નાખવામાં આવશે.
GAILની હાઈકોર્ટમાં દલીલ અને રાષ્ટ્રીય સંકટની રજૂઆત
MGVCL ની આકરી નોટિસ સામે ગેઇલ ઇન્ડિયા લિમિટેડે તાત્કાલિક ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટ સમક્ષ કંપનીના વકીલે ખૂબ જ ગંભીર અને તાર્કિક દલીલો રજૂ કરી, ગેઇલે સ્પષ્ટ કર્યું કે આ સોલાર પ્લાન્ટમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે, તેનો સંપૂર્ણ વપરાશ કંપની પોતાના જ વડોદરા પ્લાન્ટની અંદર કરે છે. આ વીજળીને સરકારી ગ્રીડમાં સપ્લાય કરવાનો કે વેચવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આથી, નિયમ મુજબ અહીં કોઈ ‘મીટરિંગ એગ્રીમેન્ટ’ ની કાનૂની જરૂરિયાત રહેતી સૌથી મહત્વની રજૂઆત એ કરવામાં આવી કે GAIL નો આ વડોદરા પ્લાન્ટ સમગ્ર ઉત્તર ભારતના રાજ્યોમાં કુદરતી ગેસ પૂરો પાડવા માટેની મુખ્ય ધમની સમાન છે.
ગુજરાત હાઈકોર્ટનો નિર્દેશ અને ચુકાદો
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, હાઈકોર્ટે પરિસ્થિતિની ગંભીરતાને સમજી હતી. જોકે સુનાવણી દરમિયાન ગેઇલના વકીલે સબમિટ કર્યું હતું કે તેઓ આ મામલાના કાયમી ઉકેલ માટે ‘ભારતીય વીજળી અધિનિયમની કલમ 127ની જોગવાઈઓ હેઠળ સત્તાવાર ‘એપેલેટ ઓથોરિટી’ સમક્ષ અપીલ દાખલ કરવા ઈચ્છે છે અને તેથી તેઓ હાઈકોર્ટમાંથી પોતાની પિટિશન પાછી ખેંચશે.બે સરકારી તંત્રો વચ્ચેના અહમ અને ટેકનિકલ વિવાદના કારણે ઉભી થયેલી આ કટોકટીમાં કોર્ટના આદેશથી વચગાળાની મોટી રાહત મળી છે. કાનૂની નિષ્ણાતોના મતે, આ ચુકાદો દર્શાવે છે કે જ્યારે જાહેર જનતાના હિતો અને રાષ્ટ્રીય સપ્લાય ચેઈનને અસર થતી હોય, ત્યારે ન્યાયતંત્ર વહીવટી તકરારોમાં હસ્તક્ષેપ કરીને મોટો અનર્થ થતો અટકાવી શકે છે.




