VADODARA NEWS: સમાજમાં સગીર વયની દીકરીઓ સાથે થતા શારીરિક શોષણ, બળજબરી અથવા પ્રેમ સંબંધના નામે થતી છેતરપિંડીના કિસ્સાઓ સામે અદાલતોએ હંમેશા કડક વલણ અપનાવ્યું છે. આવો જ એક ગંભીર કિસ્સો વડોદરા જિલ્લાના દેસર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2025માં નોંધાયો હતો. આ કેસમાં 26 વર્ષીય પરિણીત આરોપી દેવાંગ પટેલ સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. વડોદરાની સ્થાનિક નીચલી અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અગાઉ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.
ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદાર દેવાંગ પટેલના બચાવ પક્ષના વકીલ દ્વારા જામીન મેળવવા માટે તીવ્ર દલીલો રજૂ કરવામાં આવી હતી. વકીલે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, આ કેસ પરંપરાગત ગુના જેવો નથી, પરંતુ અરજદાર યુવક અને 17 વર્ષીય સગીરા વચ્ચે પરસ્પર પ્રેમ સંબંધ હતો. સગીરા અને યુવક બંને પોતાની રાજીખુશીથી અને સ્વતંત્ર મરજીથી સાથે ભાગ્યા હતા. સગીરા સાથે કોઈ પણ પ્રકારની જોર-જબરદસ્તી, ધાક-ધમકી કે બળપ્રયોગ કરવામાં આવ્યો નથી. બચાવ પક્ષે વધુમાં એક મહત્વનો મુદ્દો રજૂ કરતા જણાવ્યું હતું કે, હવે આ મામલે બંને પક્ષકારો વચ્ચે પરસ્પર સામાજિક સમાધાન થઈ ગયું છે.
સામે પક્ષે, રાજ્ય સરકાર વતી ઉપસ્થિત સરકારી વકીલે આરોપીની જામીન અરજીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે કોર્ટનું ધ્યાન દોરતા જણાવ્યું કે, આરોપી કોઈ અપરિણીત કે નાસમજ યુવક નથી, પરંતુ ૨૬ વર્ષનો પુખ્ત વયનો પુરુષ છે. તે અગાઉથી જ પરિણીત છે અને બે માસૂમ બાળકોનો પિતા પણ છે. એક પરિણીત વ્યક્તિ હોવા છતાં અને બે સંતાનોની જવાબદારી હોવા છતાં તેણે એક 17 વર્ષની સગીર વયની કન્યાને લલચાવી-ફોસલાવીને આવું કૃત્ય આચર્યું છે, જે સામાજિક દ્રષ્ટિએ પણ અત્યંત ગંભીર ગુનો છે. આવા આરોપીને સમાધાનના નામે જામીન આપવાથી સમાજમાં ખોટો સંદેશ જશે, તેથી તેની અરજી ફગાવી દેવી જોઈએ.
બંતે પક્ષોની લાંબી દલીલો અને કાયદાકીય જોગવાઈઓની ચકાસણી કર્યા બાદ, ગુજરાત હાઇકોર્ટે આરોપી દેવાંગ પટેલની નિયમિત જામીન અરજીને સખત શબ્દોમાં નકારી કાઢી હતી. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ અને સીમાચિહ્નરૂપ અવલોકન કરતા નોંધ્યું હતું કે, “આરોપીએ 17 વર્ષની સગીરાને તેના કાયદેસરના વાલીના સંરક્ષણ અને છત્રછાયામાંથી ભગાડી જઈને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. પોક્સો એક્ટની વિશેષ જોગવાઈઓ અને કાયદાના આશય મુજબ, આવા ગંભીર ગુનાઓમાં સગીરાની પોતાની મરજી, સંમતિ કે પ્રેમ સંબંધની દલીલો કાયદાની નજરમાં કોઈ પણ પ્રકારનું કાનૂની મહત્વ રાખતી નથી.”
કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે, કાયદાકીય રીતે સગીર વયની વ્યક્તિ પોતાની સંમતિ આપવા માટે સક્ષમ ગણાતી નથી. કાયદાની દ્રષ્ટિએ ગુનો જ બને છે અને તેમાં કોઈ નરમ વલણ અપનાવી શકાય નહીં.પરસ્પર સમાધાન થઈ ગયું હોવાની દલીલને પણ હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી ન હતી, છટકબારીઓનો ઉપયોગ કરીને કે ફરિયાદી પક્ષને દબાણમાં લાવીને સમાધાન કરવાથી પણ સજામાંથી બચી શકાશે નહીં. આ ચુકાદા બાદ બે બાળકોના પિતા દેવાંગ પટેલને ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી જેલના સળિયા પાછળ જ રહેવું પડશે. વડોદરાની દેસર પોલીસ હવે આ મામલે આગળની કાયદાકીય પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરશે.




