SURENDRANAGAR NEWS: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉટડી ગામેથી વિકાસના કામોમાં થતી લોલમલોલ અને ભ્રષ્ટાચારની પોલ ખોલતો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ચારેય તરફ પાણી ભરાયેલા છે, તેમ છતાં જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવાની કામગીરી અટકાવવાને બદલે રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે. વરસાદના પાણીની વચ્ચે જ રસ્તા પર મટીરિયલ પાથરીને કામ પૂરું કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના દાવા સાથે આ વીડિયો વાઈરલ થતાં સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થયાને કલાકો વીતી ગયા હોવા છતાં, લીંબડી તાલુકા કે સુરેન્દ્રનગર જિલ્લાના જવાબદાર સરકારી તંત્ર તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન સામે આવ્યું નથી. તંત્રનું આ મૌન અનેક શંકા-કુશંકાઓને જન્મ આપી રહ્યું છે. શું તંત્ર આ ગંભીર લાપરવાહીને છાવરવાનો પ્રયાસ કરી રહ્યું છે? તેવો સવાલ પણ જનતા પૂછી રહી છે.
ચાલુ વરસાદમાં રોડનું કામ થતું જોઈને ઉટડી ગામના સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે, ચોમાસાના દિવસોમાં અને ખાસ કરીને ચાલુ વરસાદે રોડ બનાવવામાં આવે તો તે થોડા જ દિવસોમાં ધોવાઈ જાય છે. સરકારી નાણાંનો આ રીતે વેડફાટ કરીને તદ્દન હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકોએ આ કામગીરીનો વિરોધ કરીને સવાલ ઉઠાવ્યો છે કે, કોના ઈશારે અને કયા અધિકારીની રહેમનજર હેઠળ વરસાદમાં આ પ્રકારનું નબળું કામ આટોપી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે?
સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ પણ ચોમાસા દરમિયાન બનેલા રોડ-રસ્તાઓ ધોવાઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. વારંવાર કોન્ટ્રાક્ટરોની આવી બેદરકારી સામે આવવા છતાં તંત્ર દ્વારા તેઓને બ્લેકલિસ્ટ કેમ કરવામાં આવતા નથી?સ્થાનિકોએ આક્રોશપૂર્વક જણાવ્યું છે કે, જો આ રોડ આગામી દિવસોમાં તૂટી જશે તો તેની જવાબદારી કોની રહેશે? આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક પગલાં લેવાવા જોઈએ.




