SABARKANTHA NEWS: સાબરકાંઠા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે સાબરકાંઠા પોલીસ દ્વારા બુટલેગરો સામે લાલ આંખ કરવામાં આવી છે. પ્રાંતિજ પોલીસની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે પ્રાંતિજના માવાપુર વિસ્તારમાં આવેલી ખારી નદીના પટ અને કોતરોમાં ઓચિંતો દરોડો પાડી દેશી દારૂ બનાવવાનું મસમોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરો અને દારૂની ભઠ્ઠીઓ ચલાવનારા તત્વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
નદીના પટમાં નાસભાગ, 15 જેટલા વિશાળ ટાંકાઓ મળી આવ્યા
મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ પોલીસને બાતમી મળી હતી કે માવાપુર વિસ્તારમાંથી પસાર થતી ખારી નદીની ઊંડી કોતરોનો લાભ લઈને કેટલાક ઈસમો મોટા પાયે દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સવારના સમયે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને નદીના પટ અને કોતરોમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. સ્થળ પર તપાસ કરતા પોલીસને ખારી નદીની કોતરોમાંથી દારૂ બનાવવા માટે છુપાવીને રાખેલા 15 જેટલા વિશાળ પ્લાસ્ટિકના ટાંકાઓ મળી આવ્યા હતા. આ ટાંકાઓમાં દેશી દારૂ બનાવવાનો કાચો માલ ભરી રાખવામાં આવ્યો હતો.
રૂ. 1 લાખની કિંમતનો 4300 લીટર વોશ અને મુદ્દામાલ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી અંદાજે રૂપિયા એક લાખની કિંમતનો 4300 લીટર દારૂ બનાવવાનો કેમિકલયુક્ત વોશ ઝડપી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે દારૂ ગાળવા માટે ઉપયોગમાં લેવાતા ગરગડી, ભઠ્ઠીના સાધનો, પીપડા અને અન્ય સરસામાન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા બિનવારસી વોશનો પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને સ્થળ પર જ નાશ કર્યો હતો.
ચાર આરોપીઓ સામે ગુનો દાખલ, શોધખોળ શરૂ
આ ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવવા બદલ પ્રાંતિજ પોલીસે મુખ્ય સૂત્રધારો સહિત ચાર જેટલા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. નાસી છૂટેલા તમામ આરોપીઓની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી પંથકના અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.




