Gujarat Ni Vaat

રાજકોટના હિંગળાજ નગરમાં નોટિસો મુદ્દે મીડિયાના અહેવાલોથી મનપાના શાસકો સફાળા જાગ્યા, બે દિવસમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી!

Share On :

RAJKOT NEWS: રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળ આવતા હિંગળાજ નગરના રહીશોને મનપા દ્વારા પાઠવવામાં આવેલી ડિમોલેશન અંગેની નોટિસનો મામલો હવે ભારે વિવાદોમાં સપડાયો છે. આ ગંભીર મુદ્દા પર મીડિયા દ્વારા સતત ચલાવવામાં આવેલા અહેવાલોની સીધી અને વ્યાપક અસર જોવા મળી છે. મીડિયાના અહેવાલો બાદ જાગેલા મનપા પ્રશાસનના વડા અને મેયર નેહલ શુક્લએ આજે આ મામલે પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે અને સમગ્ર મામલાની ઝીણવટભરી વિગતો આપવા માટે સંબંધિત અધિકારીઓને આદેશ કરી આગામી બે દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે.

આ વિવાદ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતા મેયર નેહલ શુક્લે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે,હિંગળાજ નગરના રહીશોનો આ આખો પ્રશ્ન મીડિયાના અહેવાલોના માધ્યમથી જ મારા ધ્યાને આવ્યો છે. આ બાબત સામે આવતા જ મેં તાત્કાલિક અસરથી મનપાના જવાબદાર અધિકારીઓને આ સમગ્ર મામલાની તથ્યો સાથેની માહિતી આપવા માટે જણાવી દીધું છે. આગામી બે દિવસમાં મારી પાસે આ કેસની તમામ ફાઈલો અને વિગતો પહોંચી જશે, ત્યાર બાદ જ આગળનો કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.”

આ મામલે કાનૂની અને વહીવટી પ્રક્રિયાની સ્પષ્ટતા કરતા મેયરે ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે આવી વહીવટી નોટિસો ઈસ્યુ કરવાની કામગીરીમાં મેયર કે સ્ટેન્ડિંગ કમિટી સીધી રીતે કોઈ દખલગીરી કરતી નથી હોતી, આ એક નિયમિત વહીવટી પ્રક્રિયા છે. ડિમોલેશન નોટિસ પાછળ માત્ર વહીવટી પ્રક્રિયા નહીં પરંતુ મોટું રાજકીય અને આર્થિક હિત છુપાયેલું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, જે જમીન પર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો વર્ષોથી વસવાટ કરી રહ્યા છે.

તે અબજો રૂપિયાની કિંમતી જમીન ખાલી કરાવીને કોઈ મોટા બિલ્ડરને પધરાવી દેવાનું આ આખું વ્યવસ્થિત કાવતરું તો નથી ને? મેયર દ્વારા અધિકારીઓ પાસે મંગાવવામાં આવેલો રિપોર્ટ આગામી બે દિવસમાં સબમિટ થવાનો છે. આ રિપોર્ટ બાદ મનપા પ્રશાસન હિંગળાજ નગરના 200થી વધુ પરિવારોને રાહત આપે છે કે પછી બિલ્ડરોના હિતમાં ડિમોલેશનનું બુલડોઝર ફેરવે છે, તેના પર સમગ્ર શહેરની નજર મંડાયેલી છે.