Gujarat Ni Vaat

અરેરે… પીનારાઓનો સ્વાદ બગડ્યો: કડીમાં અસલી જેવી ખુશબુદાર નકલી વ્હિસ્કી બનાવતી ‘કેમિકલ લેબ’ ઝડપાઈ

Share On :

MAHESANA NEWS: બુટલેગરો હવે વધુ કમાણી કરવાની લાલચે લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે ગંભીર ચેડાં કરી રહ્યા હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા અને કડી પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કડી તાલુકાના બુડાસણ ગામમાં ધમધમતી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી (મીની લેબોરેટરી) ઝડપી પાડી છે. પોલીસે ઘટનાસ્થળેથી ભારે માત્રામાં નકલી દારૂ, ઇથેનોલ કેમિકલ અને અસલી બ્રાન્ડ જેવા જ દેખાતા નકલી સ્ટીકરોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય બે કૌભાંડીઓની શોધખોળ તેજ કરી છે.

મહેસાણા LCB અને કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓને સંયુક્ત રીતે એક ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે, કડીના બુડાસણ ગામ નજીક આવેલ ઠાકોર વાસમાં રહેતો વિજય ઠાકોર નામનો બુટલેગર પોતાના મકાનના ઉપરના માળે ગેરકાયદેસર રીતે નકલી દારૂ બનાવવાનો કાળો કારોબાર ચલાવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ કાફલાએ મોડી રાત્રે મકાન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનની અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. મકાનની અંદર 500 લિટરની ક્ષમતા ધરાવતી બે મોટી ટાંકીઓ રાખવામાં આવી હતી, જેમાં અંદાજે 1000 લિટર જેટલો કેમિકલનો અતિ જોખમી જથ્થો સંગ્રહિત કરાયો હતો.

આ સમગ્ર કૌભાંડની મોડસ ઓપરેન્ડી માહિતી આપતા મહેસાણાના ડીવાયએસપી મિલાપ પટેલે જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીઓ કેમિકલ સાયન્ટિસ્ટની જેમ આખી ફેક્ટરી ચલાવતા હતા. તેઓ દારૂ બનાવવા માટે બેઝ મટીરીયલ તરીકે ‘ઇથેનોલ’ ઘાતક કેમિકલનો ઉપયોગ કરતા હતા. સામાન્ય પીનારાઓને આ દારૂ નકલી હોવાની શંકા ન જાય તે માટે તેઓ દારૂની અસલી સુગંધ લાવવા માટે ખાસ પ્રકારના ફ્લેવર્ડ એસેન્સનો ઉપયોગ કરતા હતા, અને અસલી દારૂ જેવી જ કડવાશ લાવવા માટે અન્ય વિશેષ કેમિકલ્સનું મિશ્રણ તૈયાર કરતા હતા. આ કેમિકલ યુક્ત દારૂ માનવ શરીર માટે અત્યંત ઘાતક અને જીવલેણ સાબિત થઈ શકે તેમ હતો.

મહેસાણા પોલીસે આ ચકચારી કેસમાં પ્રોહીબિશન એક્ટની કલમ 65 સહિત ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગગન પટેલ અને હર્ષદ વાઘેલા હાલ પોલીસ પકડથી દૂર હોઈ, તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ઇથેનોલ કેમિકલનો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને અત્યાર સુધીમાં આ નકલી દારૂ ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવ્યો છે.