MAHESANA NEWS: મહેસાણા જિલ્લાના વિસનગર પાલડી ચોકડી પાસે શનિવારે (૬ઠ્ઠી જૂન) રાત્રે એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. અગાઉ થયેલા એક અકસ્માતની સારવાર કરાવીને ઘરે પરત ફરેલા ૨૬ વર્ષીય યુવકની તબિયત અચાનક બગડતાં તેને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં મહેસાણા લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન રોંગ સાઈડથી બેફામ ગતિએ આવી રહેલી એક કારે એમ્બ્યુલન્સને સામેથી જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર વડનગર તાલુકાના શોભાસણ ગામના યુવક વિજયકુમાર ઠાકોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યોનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક વિજયકુમાર ઠાકોરને ગત ૨૧મી મેના રોજ એક અકસ્માત નડ્યો હતો. જેની મહેસાણાની હોસ્પિટલમાં લાંબી સારવાર કરાવ્યા બાદ તેઓ થોડા દિવસો પહેલાં જ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા હતા. જો કે, શનિવારની રાત્રે વિજયકુમારની તબિયત અચાનક વધુ બગડી હતી અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. પુત્રની વણસતી સ્થિતિ જોઈને પિતા વસંતજી વિઠાજી ઠાકોર અને મોટા ભાઈ પ્રકાશજી તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. વડનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ, વિજયકુમારની ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને વધુ ઓબ્ઝર્વેશન માટે તેમને તાત્કાલિક મહેસાણાની હાયર સેન્ટર હોસ્પિટલમાં ખસેડવા જણાવ્યું હતું.
આથી ચિંતાતુર પરિવારે દર્દીને લઈ જવા માટે એક ખાનગી એમ્બ્યુલન્સ ભાડે કરી હતી. એમ્બ્યુલન્સના ચાલક અંકિતજી રમતુજી ઠાકોર દર્દી વિજયકુમાર અને તેમના પિતા-ભાઈને લઈને મહેસાણા તરફ પૂરઝડપે જઈ રહ્યા હતા, જેથી યુવકનો જીવ બચાવી શકાય. રાત્રિના સમયે એમ્બ્યુલન્સ જ્યારે વિસનગર પાલડી ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે કાંસા ચોકડી તરફથી રોંગ સાઈડમાં (સામેની દિશામાંથી) પૂર પાટ ઝડપે આવી રહેલી એક બેફામ કારે એમ્બ્યુલન્સને જોરદાર સામેથી ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એમ્બ્યુલન્સના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
એમ્બ્યુલન્સની પાછળના ભાગે સ્ટ્રેચર પર સૂતેલા દર્દી વિજયકુમારને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચતા તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે ગાડીમાં સવાર તેમના વૃદ્ધ પિતા વસંતજી, ભાઈ પ્રકાશજી અને એમ્બ્યુલન્સ ચાલક અંકિતજીને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક કાયદાના સકંજામાંથી બચવા માટે પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. અગાઉ મોતના મુખમાંથી માંડ-માંડ બચીને ઘરે આવેલા વિજયકુમારને કુદરતે બીજા અકસ્માતમાં છીનવી લેતા ઠાકોર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ હૃદયદ્રાવક અકસ્માતને કારણે મૃતક વિજયજીના બે માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, જેને પગલે સમગ્ર શોભાસણ ગામમાં હીબકા અને ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. વિસનગર શહેર પોલીસે મૃતકના પિતા વસંતજી ઠાકોરની સત્તાવાર ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ હિટ એન્ડ રન અને ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી, કારના નંબરના આધારે તેને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.




