JUNAGADH NEWS: જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકાના નબળા વહીવટ અને પ્રી-મોન્સૂન કામગીરીના નામે થયેલા ભ્રષ્ટાચારના કારણે સામાન્ય નાગરિકો માટે રસ્તા પર નીકળવું હવે જીવનું જોખમ બની ગયું છે. જૂનાગઢના હૃદય સમાન ગણાતા આઝાદ ચોક વિસ્તારમાં વહેલી સવારે એક દંપતી રસ્તા પર રહેલી ખુલ્લી ગટરના મસમોટા ખાડામાં બાઇક સાથે ખાબક્યું હોવાની અત્યંત આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. આ રૂંવાડા ઊભા કરી દેતી દુર્ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, વહેલી સવારના સમયે જ્યારે આઝાદ ચોક વિસ્તારમાંથી એક પરિણીત દંપતી પોતાના મોટરસાયકલ પર સવાર થઈને રોજબરોજની જેમ કામ અર્થે જઈ રહ્યું હતું, ત્યારે રસ્તાની વચ્ચે બનાવવામાં આવેલી ખુલ્લી ગટરનો ખાડો બાઇક ચાલક પતિના ધ્યાનમાં આવ્યો ન હતો. પરિણામે, બાઇક સીધેસીધું ધડામ દઈને આ ઊંડા ખાડામાં ખાબક્યું હતું. બાઇક ખાડામાં પડતાં જ પત્નીએ ભયના માર્યા જોરજોરથી રાડારાડી અને ચીસાચીસ કરી મૂકી હતી. વહેલી સવારે સુમસામ રસ્તા પર મહિલાની ચીસો સાંભળીને આજુબાજુથી સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતા અન્ય રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ દંપતીને ખાડામાંથી બહાર કાઢ્યું હતું.
આ ગંભીર અકસ્માતમાં મોટરસાયકલ સવાર પત્નીને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ બાઇક ચલાવી રહેલા પતિને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ થઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત પતિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. તેમણે તંત્ર પ્રત્યે પોતાનો ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા બાદ સમગ્ર જૂનાગઢની જનતામાં મનપાના કમિશનર અને પદાધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોએ ઉગ્ર માંગ કરી છે કે આઝાદ ચોક સહિત સમગ્ર શહેરમાં જ્યાં પણ આવી ખુલ્લી ગટરો કે જોખમી ખાડાઓ છે, તેને ચોવીસ કલાકની અંદર યોગ્ય રીતે પૂરવામાં આવે અથવા તેના પર મજબૂત ઢાંકણ ફીટ કરવામાં આવે. જો તંત્ર હજુ પણ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેસશે, તો જનતા દ્વારા મનપા કચેરીનો ઘેરાવ કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.




