Gujarat Ni Vaat

ઉનામાં ચારિત્ર્યની શંકા રાખી પતિએ પત્નીને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

Share On :

UNA NEWS: ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાંથી એક હચમચાવી નાખે તેવી સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ લગ્નેતર સંબંધોની શંકાના આધારે ઘરકંકાસમાં ઉશ્કેરાઈને પોતાની જ પત્નીની પથ્થરના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી પતિને દબોચી લીધો છે.

કામ પરથી જમવા આવેલો પતિ જ કાળ બન્યો

પોલીસ તપાસમાંથી મળતી વિગતો અનુસાર, આ લોહીયાળ ઘટના ઉના શહેરના માણેકવાડા ચોક વિસ્તારમાં બની છે. બપોરના સમયે 50 વર્ષીય આરોપી ખલીલ દાઉદભાઈ કાદીયાત કામ પરથી જમવા માટે ઘરે આવ્યો હતો. આ દરમિયાન તેની પત્ની સમીમબેન સાથે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી હદે વણસી ગઈ કે આવેશમાં આવીને ખલીલે ઘરમાં પડેલો મોટો પથ્થર ઉપાડી પત્નીના માથાના ભાગે એક પછી એક જીવલેણ ઘા મારી દીધા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે સમીમબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પત્નીને મૃત જાહેર કરાતા જ દોડધામ

હત્યા કર્યા બાદ આરોપી ખલીલ તુરંત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આસપાસના પાડોશીઓએ લોહીલુહાણ હાલતમાં સમીમબેનને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘરમાંથી માતાની જ લાશ મળતા બે પરિણીત દીકરીઓ અને એક પુત્ર સહિતના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઉના પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાને રાખી વેરાવળથી ડીવાયએસપી પણ તાત્કાલિક ઉના દોડી આવ્યા હતા અને તપાસનો દોર સંભાળ્યો હતો.

શંકાના કારણે થતો હતો વારંવાર ઝઘડો

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી પતિ ખલીલને તેની પત્ની સમીમબેનના અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ હોવાની આશંકા હતી. આ ચારિત્ર્યની શંકાના કારણે જ ઘરમાં લાંબા સમયથી ઉગ્ર કંકાસ ચાલતો હતો અને અંતે તે એક કરુણ હત્યાકાંડમાં પરિણમ્યો છે.

પુત્ર બન્યો ફરિયાદી: પોલીસ કસ્ટડીમાં હત્યારાની નફ્ફટાઈ

આ સમગ્ર મામલે મૃતક સમીમબેનના પુત્ર વાહિદે પોતાના સગા પિતા ખલીલ કાદીયાત વિરુદ્ધ જ માતાની હત્યાની કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસ કસ્ટડીમાં પણ કળિયુગી હત્યારા પતિને પોતાની પત્નીની હત્યાનો જરાય પસ્તાવો કે અફસોસ ન હોય તેમ તે એકદમ નફ્ફટની જેમ હસતો જોવા મળ્યો હતો.