GANDHINAGAR NEWS: રાજ્યના શાંત અને સુરક્ષિત ગણાતા પાટનગર ગાંધીનગરમાં ધોળા દિવસે ગુંડાગીરી અને આતંકના લાઈવ દ્રશ્યો સામે આવતા સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે. શહેરના પોશ ગણાતા કુડાસણ વિસ્તારમાં આવેલા ‘ધ લેન્ડ માર્ક મોલ’ પાસે અસામાજિક તત્વોના એક ટોળાએ આતંક મચાવી, તીક્ષ્ણ અને ઘાતક હથિયારો વડે પાંચ લોકો પર જીવલેણ હુમલો કર્યો છે. કરોડો રૂપિયાની ઉઘરાણી અને નાણાકીય લેતીદેતીના મામલે આ ખુલ્લો લોહિયાળ ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે.
₹1.27 કરોડની લેતીદેતીમાં તલવાર-ધારીયા ઊછળ્યા
મળતી માહિતી અનુસાર, આ સમગ્ર વિવાદ આશરે એક કરોડ સત્તાવીસ લાખની મોટી રકમની લેતીદેતીને કારણે સર્જાયો હતો. આ નાણાકીય બાબતની ચર્ચા કે ઉઘરાણી દરમિયાન મામલો અચાનક એટલો બિચક્યો હતો કે અસામાજિક તત્વોનું આખું ટોળું ધારીયા, તલવાર અને પાઇપો જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યું હતું. ટોળાએ તૂટી પડીને ત્યાં હાજર પાંચ શખ્સો પર આડેધડ હિંસક હુમલો શરૂ કરી દીધો હતો. તીક્ષ્ણ હથિયારોના ઘા વાગવાના કારણે પાંચેય લોકો ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઈ ગયા હતા.
ગાડીઓના કાચ ફોડ્યા, મોલ પાસે અફરાતફરી
હુમલાખોરો એટલા બેફામ બન્યા હતા કે તેઓએ માત્ર માણસો પર જ હુમલો ન કર્યો, પરંતુ ત્યાં પાર્ક કરેલી વાહનો અને વૈભવી ગાડીઓને પણ નિશાન બનાવી હતી. ધોળા દિવસે જાહેરમાં ઘાતક હથિયારો વડે ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને ભારે તોડફોડ કરવામાં આવી હતી. ‘ધ લેન્ડ માર્ક મોલ’ જેવા વ્યસ્ત અને ધમધમતા વિસ્તારમાં અચાનક બનેલી આ હિંસક ઘટનાને પગલે આસપાસના વેપારીઓ, ગ્રાહકો અને સ્થાનિક રહીશોમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયેલા પાંચ વ્યક્તિઓમાંથી એક શખ્સની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
પોલીસ કાફલો ઘટનાસ્થળે: કડક કાર્યવાહીની ખાતરી
જાહેરમાં આતંક અને ગુંડાગીરીના સમાચાર મળતા જ ગાંધીનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક કુડાસણ ખાતે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે હુમલાખોરો વિરૂદ્ધ રાયોટીંગ, જીવલેણ હુમલો અને જાહેર શાંતિ ભંગ કરવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે દાવો કર્યો છે કે કાયદો હાથમાં લેનારા કોઈપણ અસામાજિક તત્વને છોડવામાં આવશે નહીં અને તમામ આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.




