Gujarat Ni Vaat

બનાસકાંઠામાં ધોળા દિવસે લોહીયાળ ખેલ: લાખણીના કુવાણા ગામે યુવકની ઘાતકી હત્યાથી ચકચાર!

Share On :

BANASKANTHA NEWS: બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને લાખણી પંથકમાં આજે ધોળા દિવસે માનવતાને કંપાવી મૂકનારી એક લોહીયાળ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લાખણી તાલુકાના કુવાણા ગામે જાહેર રસ્તા પર એક અજાણ્યા યુવકની ત્રણથી ચાર તત્વો દ્વારા સરેઆમ કરપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને સનસનાટી મચી ગઈ છે. હુમલાખોરો આ ભયાનક હત્યાકાંડને અંજામ આપીને ત્વરિત ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

દુકાનના ખૂણામાં ઘૂસતા જ ગોળીઓ વાગી, તીક્ષ્ણ હથિયારોથી હુમલો

વીડિયોમાં જોઈ શકાય છે કે પોતાનો જીવ બચાવવા માટે એક યુવક બેબાકળો બનીને દોડી રહ્યો છે અને રસ્તા કિનારે આવેલી એક દુકાનના ખૂણામાં સંતાવાનો અસફળ પ્રયાસ કરે છે. બરાબર એ જ સમયે પાછળ આવી રહેલા હુમલાખોરો પૈકીના એક શખ્સે બંદૂકમાંથી ફાયરિંગ કરી યુવકને ગોળીઓથી વીંધી નાખ્યો હતો. યુવક નીચે ઢળી પડતાની સાથે જ અન્ય હુમલાખોરોએ કનિષ્ઠતાની તમામ હદો વટાવીને તેના પર તીક્ષ્ણ હથિયારો વડે એક પછી એક ઘાતકી વાર કર્યા હતા, જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મૃતક અને હત્યારા બંને બહારના હોવાનો મોટો ખુલાસો

ધોળા દિવસે બહેરેમતાથી થયેલી આ હત્યાના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. જો કે, સ્થાનિક સૂત્રો અને પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એક મોટો ખુલાસો એ થયો છે કે, જે યુવકની હત્યા થઈ છે તે અને જે હુમલાખોરો હતા તેમાંથી કોઈ પણ કુવાણા ગામના સ્થાનિક વતની નથી. આ તમામ લોકો કોઈ અગમ્ય કારણોસર કે કોઈ વિવાદના સેટલમેન્ટ માટે આ ગામની હદમાં આવ્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લાખણી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક કુવાણા ગામે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક યુવકના શવનો કબજો મેળવીને તેને કાયદેસરના પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.