AMBAJI NEWS: અંબાજીના સ્થાનીય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતા અસામાજિક તત્વો સામે અંબાજી પોલીસે લાલ આંખ કરી છે. અંબાજીના વોર્ડ નંબર 8 વિસ્તારમાં આતંક મચાવી રહેલા બે લુખ્ખા તત્વોને પકડવા ગયેલી પોલીસ ટીમ અને PCR વાન પર હુમલો કરનારા બંને શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને કાયદાના પાઠ ભણાવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
ગઈકાલે મોડી રાત્રે અંબાજીના 8 નંબર વિસ્તારમાં બે લુખ્ખા તત્વો દારૂના નશામાં અથવા સામાન્ય બાબતે સ્થાનિક રહીશોને ધમકાવીને ભારે આતંક મચાવી રહ્યા હતા. આ અંગે સ્થાનીય લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા જ અંબાજી પોલીસની PCR વાન તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ જવાનો જ્યારે આ આતંક મચાવતા લુખ્ખાઓને પકડવા માટે આગળ વધ્યા, ત્યારે કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ આ બંને અસામાજિક તત્વોએ પોલીસ ટીમ પર જ હુમલો કરી દીધો હતો. તેઓએ પોલીસ જવાનો પર અચાનક પથ્થરમારો શરૂ કર્યો હતો અને લાકડીઓ વડે બેરહેમીથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આટલેથી ન અટકતા, ઉશ્કેરાયેલા લુખ્ખાઓએ સરકારી મિલકત એવી પોલીસની PCR વાનને પણ લાકડીઓ અને પથ્થરો મારીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
સ્થાનિક રહીશોએ પોલીસને બચાવી
પોલીસ પર થઈ રહેલા આ ઘાતક હુમલાને જોઈને આસપાસના રહીશો મોટી સંખ્યામાં ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ એકત્રિત થઈ ભારે હોબાળો મચાવ્યો હતો અને લુખ્ખાઓનો સામનો કરીને પોલીસ જવાનોને તેમના ચુંગાલમાંથી બચાવ્યા હતા. લોકોનું ટોળું વધતું જોઈને બંને અસામાજિક તત્વો ત્યાંથી અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યા હતા. સ્થાનિકોમાં એ ચર્ચાનો વિષય બન્યો હતો કે, જો આ લુખ્ખાઓ ખાખી વર્દીધારી પોલીસ પર હુમલો કરતા પણ ગભરાતા ન હોય, તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું?
પોલીસની ગણતરીના કલાકોમાં કડક કાર્યવાહી: લુખ્ખાઓ જેલભેગા
પોલીસ પર થયેલા હુમલાની આ ઘટનાને બનાસકાંઠા પોલીસ તંત્રે અત્યંત ગંભીરતાથી લીધી હતી. અંબાજી પોલીસ સ્ટેશનના પી.આઈ.ની આગેવાનીમાં તુરંત જ અલગ-અલગ ટીમો બનાવીને ફરાર આરોપીઓ ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા હતા. અંબાજી પોલીસે પોતાની આગવી શૈલીમાં ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આતંક મચાવનારા બંને લુખ્ખા તત્વોને રાઉન્ડઅપ કરી લીધા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી સરકારી ફરજમાં રૂકાવટ, પોલીસ પર હુમલો અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા બદલ કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




