ANAND NEWS: ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિને વધુ મજબૂત કરતો એક મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે. આણંદ ઇન્કમટેક્સ વિભાગના તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર ગૌતમ બ્રહ્મભટ્ટ અને એડવોકેટ અર્પિત શાહ દ્વારા સ્પેશિયલ CBI કોર્ટના સજાના ચુકાદા સામે કરવામાં આવેલી અપીલને હાઇકોર્ટે સખત વલણ અપનાવીને નામંજૂર કરી દીધી છે. આ સાથે જ સ્પેશિયલ કોર્ટે વર્ષ 2010માં ઇન્કમટેક્સના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટરને ફટકારેલી 2 વર્ષની કેદ અને એડવોકેટને ફટકારેલી 1 વર્ષની કેદની સજા હાઇકોર્ટે યથાવત રાખી છે.
શું હતો સમગ્ર લાંચ કેસ?
કેસની વિગત એવી છે કે, વર્ષ 2003માં આણંદ ખાતે ઇન્કમટેક્સ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ગૌતમ બ્રહ્મભટ્ટ સમક્ષ ફરિયાદી વિરુદ્ધ કરચોરીની એક અરજી પેન્ડિંગ હતી. આ કેસની તપાસના સંદર્ભમાં જ્યારે ફરિયાદી અને તેમના એડવોકેટ અર્પિત શાહ આણંદ સ્થિત ઇન્કમટેક્સ ઓફિસે ગયા હતા, ત્યારે ગૌતમ બ્રહ્મભટ્ટે ફરિયાદીને ₹60 લાખની પેનલ્ટી કરવાની ધમકી આપી હતી. આખો મામલો રફાદફા કરવા માટે ડેપ્યુટી ડાયરેક્ટરે ₹20 લાખની જંગી લાંચની માંગણી કરી હતી, જેમાં એડવોકેટ અર્પિત શાહે વચગાળાની ભૂમિકા ભજવીને લાંચની રકમ ₹3 લાખ નક્કી કરાવી આપી હતી.
CBIની સફળ ટ્રેપ અને રંગેહાથ ધરપકડ
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે ગાંધીનગર CBI સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી હતી. CBI દ્વારા ગોઠવાયેલા છટકા દરમિયાન ફરિયાદી અને આરોપીઓ વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. ફરિયાદીના શર્ટના ખિસ્સામાં ફિનોલ્ફથેલિન પાવડર લગાડેલી ₹15,000 ની રોકડ અને 5 ફિક્સ ડિપોઝિટ મુકવામાં આવી હતી. જ્યારે એડવોકેટ અર્પિત શાહ અન્ય એક વ્યક્તિ સાથે ફરિયાદીના ઘરે લાંચની રકમ લેવા પહોંચ્યા અને જેવી રકમ હાથમાં લીધી, ત્યારે જ છુપાઈને ઉભેલી CBI ની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. સોડિયમ કાર્બોનેટના દ્રાવણથી એડવોકેટના હાથ ધોવડાવતા પાણીનો રંગ ગુલાબી થઈ ગયો હતો, જે લાંચ સ્વીકાર્યાનો વૈજ્ઞાનિક પુરાવો બન્યો હતો.
CBI ના મજબૂત પુરાવાઓ ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે સજા યથાવત રાખી
સામે પક્ષે CBI ના વકીલે ધારદાર દલીલો કરતા જણાવ્યું કે, કોર્ટે માત્ર ઓડિયો કેસેટોના આધારે નહિ, પરંતુ અન્ય મજબૂત મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓના આધારે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. CBI એ કોલ ડિટેલ રેકોર્ડ્સ અને મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરના દસ્તાવેજો રજૂ કરીને સાબિત કર્યું છે કે બંને પક્ષકારો વચ્ચે ગુનાહિત કાવતરા અંતર્ગત ફોન પર વાતચીત થઈ હતી. હાઇકોર્ટે CBI ના આ તમામ દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવાઓને માન્ય રાખ્યા હતા અને નોંધ્યું હતું કે ટ્રાયલ કોર્ટના ચુકાદામાં કોઈ હસ્તક્ષેપની જરૂર નથી. આ સાથે જ હાઇકોર્ટે બંને હાઈપ્રોફાઈલ આરોપીઓની અપીલ ફગાવીને સજાનો હુકમ બહાલ રાખ્યો છે.




