FARMER NEWS: ગુજરાતના ખેડૂતોના લાંબા સમયના વિરોધ અને રજૂઆતો બાદ રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ખેતરોમાંથી પસાર થતા વીજ ટાવર અને વીજ લાઇન માટે ખેડૂતોને અપાતા વળતરમાં સરકારે ધરખમ વધારો જાહેર કર્યો છે. આ નવા નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું બજાર આધારિત યોગ્ય વળતર મળી રહેશે. કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણીએ સરકારના આ પ્રશંસનીય નિર્ણયની વિગતો આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી ખેતરમાં ઊભા કરાતા વીજ ટાવરના પાયાના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર આપવામાં આવતું હતું.
પરંતુ હવેથી ખેડૂતોના આર્થિક ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે, 765 કે.વી. લાઇનમાં અગાઉ જે વળતર 625 ચોરસ મીટર લેખે મળતું હતું, તે હવે દરેક બાજુ 1 મીટર વધારીને 729 ચોરસ મીટર લેખે ચૂકવાશે. કૃષિ મંત્રીએ મોરબીના જેતપર અને કોંઢ ગામના ઉદાહરણો આપીને જૂના અને નવા વળતર વચ્ચેનો મોટો તફાવત સરળ ભાષામાં સમજાવ્યો હતો,જૂની નીતિ મુજબ ટાવરના ચાર પાયાના વિસ્તાર માટે ₹6.11 લાખ અને RoW કોરિડોર માટે ₹12.04 લાખ મળીને કુલ ₹18.85 લાખ મળવાપાત્ર હતા.
નવી નીતિ મુજબ નવી દર સમિતિ મુજબ હવે ટાવર વિસ્તાર માટે ₹27.2 લાખ અને RoW કોરિડોર માટે ₹37.25 લાખ મળીને કુલ ₹64.87લાખ મળશે. કૃષિ મંત્રીએ આ ફેરફારને ટેકનિકલ રીતે સમજાવતા ઉદાહરણ આપ્યું હતું કે, અગાઉ મોટી વીજ લાઇન જેમ કે 765 કે.વી. લાઇનમાં નિયમ મુજબ 625 ચોરસ મીટરના વિસ્તારને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવામાં આવતું હતું. પરંતુ નવી નીતિ અનુસાર, આ વિસ્તારની ચારેય બાજુએ વધારાના એક મીટરની ગણતરી ઉમેરવામાં આવશે, જેનાથી વળતરનો કુલ વિસ્તાર વધીને 729 ચોરસ મીટર થઈ જશે.
આમ, ગણતરીનો વિસ્તાર વધતા જ ખેડૂતોને મળનારી રકમમાં સીધો મોટો વધારો જોવા મળશે.ગુજરાત સરકારના આ કલ્યાણકારી અને ક્રાંતિકારી નિર્ણયથી સમગ્ર રાજ્યના ખેડૂત આલમમાં ખુશી અને સંતોષની લહેર વ્યાપી ગઈ છે. આ નીતિથી રાજ્યમાં ચાલી રહેલા વિકાસલક્ષી વીજ પ્રોજેક્ટ્સની કામગીરી પણ ઝડપી બનશે અને સાથે-સાથે જગતના તાતને તેની કિંમતી જમીનનું પૂરેપૂરું અને યોગ્ય આર્થિક વળતર પણ સુનિશ્ચિત થશે.



