Gujarat Ni Vaat

સંઘર્ષની પરાકાષ્ઠા! દીકરાની સારવાર માટે ફૂટબોલ કીટ વેચનાર ખેલાડીએ જર્મની સામે રચ્યો ઈતિહાસ

Share On :

fifa world cup 2026: ફિફા વર્લ્ડ કપ 2026માં પરાગ્વેની ટીમે એક અવિશ્વસનીય અને મોટો ઉલટફેર સર્જીને 4 વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધી છે. બંને ટીમો વચ્ચેનો આ મહામુકાબલો પેનલ્ટી શૂટઆઉટ સુધી ખેંચાયો હતો, જેમાં પરાગ્વેએ જર્મનીને પરાજય આપીને રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી લીધી છે. પરાગ્વેની આ ઐતિહાસિક જીતનો અસલી હીરો તેમનો ગોલકીપર ઓર્લેન્ડો ગિલ રહ્યો હતો, જેણે પેનલ્ટી શૂટઆઉટ દરમિયાન ૨ શાનદાર અને નિર્ણાયક સેવ કરીને જર્મનીના વિજય રથને રોક્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આજથી માત્ર 4 વર્ષ પહેલાં ભારે આર્થિક સંકટના કારણે પોતાના બીમાર પુત્રના ઇલાજ માટે પોતાની ફૂટબોલ કિટ વેચવા મજબૂર બનેલો ઓર્લેન્ડો આજે પોતાના અદભુત પ્રદર્શનના જોરે આખા પરાગ્વે દેશનો નવો રાષ્ટ્રીય હીરો બની ગયો છે.

મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પ્રથમ હાફમાં પરાગ્વેની ટીમે આક્રમક રમત બતાવી હતી. મેચની ૪૨મી મિનિટે પરાગ્વેના સ્ટાર ખેલાડી જૂલિયો એનસિસોએ એક શાનદાર હેડર વડે અદભુત ગોલ કરીને પોતાની ટીમને મહત્વપૂર્ણ લીડ અપાવી દીધી હતી. જો કે, બીજા હાફમાં જર્મનીની મજબૂત ટીમે જોરદાર વાપસી કરી હતી. મેચની ૫૨મી મિનિટે જર્મનીના સ્ટ્રાઇકર કાઈ હેવર્ટ્ઝે પરાગ્વેના ડિફેન્સને ભેદીને શાનદાર ગોલ કર્યો અને સ્કોર 1 થી બરાબર કરી દીધો હતો. આ પછી, નિર્ધારિત 90 મિનિટ અને ત્યારબાદ આપવામાં આવેલા એક્સ્ટ્રા ટાઇમના અંત સુધી બંનેમાંથી એકપણ ટીમ બીજો ગોલ કરી શકી નહોતી.

સ્કોર બરાબરી પર રહેતા મેચનો નિર્ણય લાવવા માટે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક જીત મેળવનાર ગોલકીપર ઓર્લેન્ડો ગિલ માટે આ માત્ર એક મેચની જીત નથી, પરંતુ તેના જીવનના સંઘર્ષની સૌથી મોટી સફળતા છે. આજથી માત્ર 4 વર્ષ પહેલાં જિંદગીએ તેની આકરી પરીક્ષા લીધી હતી. આ પરાગ્વેન ખેલાડી એક સમયે ભારે આર્થિક સંકટ અને ગરીબીમાંથી પસાર થઈ રહ્યો હતો. તેનો માસૂમ પુત્ર એટલો ગંભીર બીમાર હતો કે તેના ઇલાજ અને જીવ બચાવવા માટે ઓર્લેન્ડોએ પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું.

હોસ્પિટલના ખર્ચ અને પૈસાની ભારે તંગીના કારણે તેણે રમત પ્રત્યેના પ્રેમ સમાન પોતાની ‘ફૂટબોલ કિટ’ પણ વેચી દેવી પડી હતી. તેની પત્નીએ સોશિયલ મીડિયા પર આ કરુણ સંઘર્ષ શેર કરીને મદદ માંગી હતી. પરંતુ ઓર્લેન્ડોએ હિંમત ન હારી અને વિપરીત પરિસ્થિતિઓ સામે ઝૂક્યા વગર પોતાની મહેનત ચાલુ રાખી, જેનું પરિણામ આજે આખા વિશ્વએ વર્લ્ડ કપના મેદાન પર જોયું છે.