Which tomato is healthier, indigenous or hybrid? ભારતીય રસોઈમાં ટામેટાંનું સ્થાન અનિવાર્ય છે. સ્વાદ વધારવાથી લઈને સ્વાસ્થ્ય સુધારવા સુધી, ટોમેટાં આપણા રોજિંદા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ, જ્યારે પણ આપણે બજારમાં શાકભાજી ખરીદવા જઈએ છીએ, ત્યારે આપણી સામે બે પ્રકારના ટોમેટાં હોય છે: એક ‘દેશી’ અને બીજા ‘હાઇબ્રિડ’. મોટાભાગના લોકો આ બંને વચ્ચેનો અસલી તફાવત જાણતા નથી અને માત્ર દેખાવ જોઈને ખરીદી લેતા હોય છે. આ બંને પ્રકારના ટોમેટાંનો સ્વાદ, આકાર અને સ્વાસ્થ્ય પર થતી અસરો તદ્દન અલગ-અલગ હોય છે. ગ્રાહકો પોતાના સ્વાસ્થ્ય માટે સાચી પસંદગી કરી શકે તે હેતુથી આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે.
દેખાવ અને આકારમાં તફાવત
દેશી અને હાઇબ્રિડ ટોમેટાંને માત્ર જોઈને જ સરળતાથી ઓળખી શકાય છે,
- દેશી ટામેટાં: સામાન્ય રીતે સંપૂર્ણ ગોળ હોતા નથી, પરંતુ થોડા ચપટા અને અસમાન આકારના હોય છે. તેમનો રંગ ઘેરો લાલ કે ક્યારેક પીળાશ પડતો લીલો હોય છે. દેશી ટોમેટાં અડવામાં વધુ સોફ્ટ હોય છે અને તેમની ત્વચા પાતળી હોય છે.
- હાઇબ્રીડ ટામેટાં : આ દેખાવમાં ખૂબ જ આકર્ષક, સંપૂર્ણ લંબગોળ અથવા સમાન ગોળ આકારના અને એકદમ ચળકતા લાલ હોય છે. તેઓ અડવામાં સખત હોય છે અને તેમની ત્વચા જાડી હોય છે, જેના કારણે તેઓ લાંબા સમય સુધી બગડતા નથી.
સ્વાદ અને રસોઈમાં ઉપયોગ
રસોઈ બનાવતી વખતે બંનેના સ્વાદની અસર વાનગી પર સ્પષ્ટ દેખાય છે, દેશી ટામેટાં સ્વાદમાં વધુ ખાટા અને અત્યંત રસદાર હોય છે. તેમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી તે દાળ, કઢી, ચટણી અને શાકની ખાટી ગ્રેવી બનાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે. હાઇબ્રિડ ટામેટાંમાં ખટાશ ખૂબ જ ઓછી અથવા નહિવત હોય છે. તેઓ વધુ પલ્પ (ગર્ભ) ધરાવે છે અને તેમાં પાણી ઓછું હોય છે. આ કારણે હેલ્ધી સલાડ, સેન્ડવીચ, પાસ્તા કે સૂપ બનાવવા માટે હાઇબ્રિડ ટોમેટાંનો ઉપયોગ વધુ થાય છે, કારણ કે તે કાપતી વખતે ઓગળી જતા નથી.
સ્વાસ્થ્ય અને પોષણની દ્રષ્ટિએ કયું છે બેસ્ટ?
જ્યારે વાત સ્વાસ્થ્યની આવે છે, ત્યારે બંને પ્રકારના ટોમેટાં પોતાના અલગ ગુણધર્મો ધરાવે છે , દેશી ટોમેટાં કુદરતી રીતે અને પરંપરાગત પદ્ધતિથી ઉગાડવામાં આવતા હોવાથી તેમાં વિટામિન, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ઓર્ગેનિક એસિડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ છે. હાઇબ્રિડ વૈજ્ઞાનિક પદ્ધતિથી બે અલગ-અલગ છોડના ક્રોસ-બ્રીડિંગ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
આ ટોમેટાંમાં લાયકોપીન નામનું શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે અને કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છેએકંદરે, દેશી અને હાઇબ્રિડ બંને ટોમેટાં સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. આયુર્વેદ અને આહાર નિષ્ણાતોના મતે, આહારમાં બંનેનો સંતુલિત ઉપયોગ કરવો જોઈએ. જો કે, બને ત્યાં સુધી ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડેલા અને કેમિકલ મુક્ત ટોમેટાંની પસંદગી કરવી એ જ સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ અને હિતવાહક છે.




