Gujarat Ni Vaat

સગા મામાને પણ ન છોડ્યા! અમદાવાદમાં સીએ ફર્મ ચલાવતા ઠગ દંપતીએ મામા સાથે આચરી 10 કરોડથી ઠગાઈ, બોગસ કંપની પણ બનાવી!

Share On :

AHEMDABAD NEWS: અમદાવાદમાં શેર બજારમાં ઊંચા નફાની લાલચ આપી કૌટુંબિક સંબંધનો દુરુપયોગ કરીને 10 કરોડથી વધુની મોટી ઠગાઈનો કેસ સામે આવ્યો છે. અમદાવાદ ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા આ મામલે કાર્યવાહી કરીને દંપતી જવલીન નાયક અને બોસકી નાયકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ રોકાણ પર મોટો નફો આપવાની લાલચ આપીને વિશ્વાસ જીત્યો અને બાદમાં કરોડોની રકમ મેળવી છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.મળતી માહિતી મુજબ, મુખ્ય ફરિયાદી કૌશલ નાયક પાસેથી આરોપીઓએ શરૂઆતમાં 5.91 કરોડ રૂપિયા રોકાણના નામે લીધા હતા. ત્યારબાદ કૌશલ નાયકના અન્ય સંબંધીઓ પાસેથી પણ અલગ અલગ તબક્કામાં 4.44 કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા.

આ રીતે કુલ મળીને 10 કરોડ 36 લાખથી વધુની રકમ આરોપીઓએ મેળવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ પોતાને શેર બજારના અનુભવી અને સફળ રોકા ણકાર તરીકે રજૂ કરતા હતા અને વિશ્વાસ ઉભો કરવા માટે શરૂઆતમાં થોડું રિટર્ન પણ આપતા હતા. બાદમાં વધુ નફાની લાલચ આપી મોટી રકમ એકત્રિત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે આ સમગ્ર કૌભાંડ ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું. તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે આરોપીઓ જગતપુર અને ગાંધીનગર વિસ્તારમાં સીએ ફર્મ ચલાવતા હતા, જેના કારણે તેઓ સમાજમાં વિશ્વસનીય છબી ઉભી કરવામાં સફળ રહ્યા હતા.

ઉપરાંત, આરોપીઓએ ફરિયાદીના નામે બોગસ કંપની પણ ઉભી કરી હતી અને તેના આધારે નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપીઓએ તેમની દીકરીને USA વિઝા મેળવવામાં મદદ કરવાની વાત પણ કરી હતી, જેના કારણે વિશ્વાસ વધુ મજબૂત થયો હતો. આ ઉપરાંત, વિશ્વાસ જીતવા માટે ફરિયાદીના એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા જમા કરાવ્યા હોવાની બેંક સ્લીપ પણ બતાવવામાં આવી હતી.

આ મામલો પ્રકાશમાં આવતા EOWમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ ઝડપી તપાસ હાથ ધરી પોલીસે બંને આરોપીઓ જવલીન નાયક અને બોસકી નાયકની ધરપકડ કરી હતી. હાલ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 21મી જૂન સુધીના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપીઓએ ઠગાઈથી મેળવેલી રકમ ક્યાં રોકાણ કરી છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. બેંક એકાઉન્ટ્સ, સંપત્તિ અને નાણાકીય ટ્રાન્ઝેક્શન્સની તપાસ માટે ખાસ ટીમ કાર્યરત છે.

આ મામલે ACP મનોજ ચાવડાએ જણાવ્યું હતું કે આ એક સુનિયોજિત નાણાકીય ઠગાઈનો કેસ છે, જેમાં પરિવારિક સંબંધોનો દુરુપયોગ કરીને લોકોનો વિશ્વાસ તોડવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે તપાસ આગળ વધતા વધુ વિગતો બહાર આવી શકે છે અને અન્ય સંડોવાયેલા લોકોની પણ તપાસ કરવામાં આવશે. કુલ મળીને, અમદાવાદ EOWની આ કાર્યવાહીથી કરોડોની ઠગાઈનો ભેદ ઉકેલાયો છે અને આગળની તપાસમાં વધુ નાણાકીય ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.