Gujarat Ni Vaat

જામનગર મનપાને બોમ્બથી ઉડાવવાની ધમકી: સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ, તપાસનો ધમધમાટ

Share On :

Jamnagar News : જામનગર મહાનગરપાલિકાની કચેરીને અચાનક એક ધમકીભર્યા ઈ-મેઈલ મળતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા આ ઈ-મેઈલમાં જામનગર મહાનગરપાલિકાની મુખ્ય બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું અને તાત્કાલિક અસરથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી. ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાને બદલે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી.

સર્ચ ઓપરેશન અને કાર્યવાહી

માહિતી મળતાની સાથે જ જામનગર પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષાના ભાગરૂપે મહાનગરપાલિકાની સમગ્ર બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને સરકારી કામકાજ માટે આવેલા મુલાકાતીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ દ્વારા બિલ્ડિંગના દરેક માળ, દરેક ઓફિસ અને આસપાસના પરિસરમાં જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર વિસ્તારને ખૂણેખૂણેથી તપાસવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક પદાર્થ ન હોય તેની ખાતરી કરી શકાય.

નાગરિકોમાં ગભરાટ અને તંત્રની સતર્કતા

આ ઘટનાને પગલે મનપા કચેરીમાં આવેલા નાગરિકો અને કર્મચારીઓમાં થોડા સમય માટે ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, પોલીસ અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે આ એક સાવચેતીના ભાગરૂપે લેવામાં આવેલા પગલા છે. બીજી તરફ, આ ઈ-મેઈલ કયા IP એડ્રેસ પરથી અને કોણે મોકલ્યો છે, તે દિશામાં સાયબર ક્રાઈમ સેલ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા આધુનિક ટેકનોલોજીની મદદથી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ ધમકી કોઈની મજાક છે કે પછી કોઈ ગંભીર ષડયંત્રનો ભાગ, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરક્ષા દળોને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે.