Gujarat Ni Vaat

લ્યો બોલો….અમદાવાદ પછી આણંદના મેકડોનાલ્ડ્સમાં પણ વેજ ઓર્ડરમાંથી નીકળ્યું નોનવેજ!

Share On :

ANAND NEWS: ગુજરાતના સાંસ્કૃતિક અને ધાર્મિક વાતાવરણ વચ્ચે આણંદ શહેરમાંથી મલ્ટીનેશનલ ફાસ્ટ ફૂડ બ્રાન્ડ ‘મેકડોનાલ્ડ્સ’ની ઘોર અને અક્ષમ્ય બેદરકારીનો એક ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં બનેલી ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ આણંદના પીવીઆર સિનેમા પરિસરમાં આવેલા મેકડોનાલ્ડ્સ આઉટલેટે એક ચુસ્ત શાકાહારી ગ્રાહકને વેજ ફૂડના બદલે નોનવેજ (ચિકન નગેટ્સ) પીરસીને મોટો છબરડો કર્યો છે. આ ઘટનાને કારણે આણંદ સહિત સમગ્ર રાજ્યમાં શાકાહારી નાગરિકો અને ધાર્મિક સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદના રહેવાસી એક ગ્રાહકે પોતાના પરિવાર સાથે પીવીઆર મેકડોનાલ્ડ્સની મુલાકાત લીધી હતી અને ત્યાં શુદ્ધ શાકાહારી મેનૂમાંથી ઓર્ડર આપ્યો હતો.

જો કે, કાઉન્ટર પર બેઠેલા કર્મચારીઓ અને કિચન સ્ટાફની ગંભીર લાપરવાહીના કારણે ગ્રાહકના ટેબલ પર જે ફૂડ બોક્સ મોકલવામાં આવ્યું, તેમાં ચિકન નગેટ્સ (માંસાહારી ખોરાક) રાખવામાં આવ્યા હતા. ગ્રાહકે જ્યારે ખાતા પહેલા પોતાનું ભોજન બારીકાઈથી જોયું ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિત ગ્રાહક પોતે ચુસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હોવાથી, આ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની ઘોર બેદરકારીના કારણે તેમની ધાર્મિક આસ્થા અને પવિત્રતાને ક્યારેય ન પુરાય તેવો આઘાત લાગ્યો હતા, ગંભીર મિક્સઅપ બાદ જ્યારે પીડિત ગ્રાહકે આઉટલેટના મેનેજર અને હાજર સ્ટાફને બોલાવીને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી, ત્યારે જવાબદારી સ્વીકારવાના બદલે સ્ટાફે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું.

સ્ટાફ કે મેનેજમેન્ટ દ્વારા ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો કે પોતાની ભૂલ બદલ દિલગીરી પણ વ્યક્ત કરવામાં આવી ન હતી.સ્ટાફના આવા નકારાત્મક વલણથી કંટાળીને ગ્રાહકે ઘટનાસ્થળનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયો જોતજોતામાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે અને નેટીઝન્સ મેકડોનાલ્ડ્સની આવી બેજવાબદાર કામગીરી સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે. લોકો હવે આ જાણીતી બ્રાન્ડ્સના કિચનમાં હાઇજીન અને વેજ-નોનવેજ ક્રોસ-કન્ટેમિનેશન (ભેળસેળ) ની ચોકસાઈ સામે મોટા સવાલો ઉઠાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મલ્ટીનેશનલ બ્રાન્ડ્સ ભારતીય ગ્રાહકોની ધાર્મિક અને ભોજન સંબંધી સંવેદનશીલતાને હળવાશથી લેતી હોય તેવું આ વારંવાર બનતા બનાવો પરથી સાબિત થાય છે. આણંદના જાગૃત નાગરિકો અને ગ્રાહક સુરક્ષા મંડળોએ માંગ કરી છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે આ આઉટલેટનું લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવું જોઈએ અને ગ્રાહકોની લાગણી દુભાવવા બદલ મેકડોનાલ્ડ્સ કંપની પર ભારે દંડ ફટકારવો જોઈએ.