Gujarat Ni Vaat

સાયલા -સુદામડા રોડ પર ધોરણ 10ની પૂરક પરીક્ષા આપી પરત ફરતાં વિદ્યાર્થીનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત

Share On :

Surendranagar Sayla Road Accident: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-સુદામડા રોડ પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને અરેરાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર ખાતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પૂર્ણ કરીને ખુશી-ખુશી પોતાના બાઇક પર ઘરે પરત ફરી રહેલા બે વિદ્યાર્થીઓને રસ્તામાં જ કાળનો ભેટો થઈ ગયો હતો. માર્ગ પર ઉભેલા એક ડમ્પરની પાછળ મોટરસાયકલ જોરદાર રીતે ઘૂસી જતાં સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

સ્થિર ઉભેલા ડમ્પર પાછળ બાઇક ઘૂસી ગઈ: અનિલ બાવળીયાનું કરુણ મોત

મળતી વિગતો અનુસાર, સાયલા તાલુકાના નાગડકા ગામે રહેતો અનિલ મેઘાભાઈ બાવળીયા નામનો આશાસ્પદ યુવાન ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપવા માટે સુરેન્દ્રનગર કેન્દ્ર પર ગયો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ તે પોતાના મિત્ર સંજય સાથે બાઇક પર સવાર થઈને પરત પોતાના ગામ નાગડકા જઈ રહ્યો હતો. આ દરમિયાન સાયલા-સુદામડા રોડ પરથી પસાર થતી વખતે રસ્તાની સાઇડમાં સ્થિર ઉભેલા એક ડમ્પરની પાછળ તેમની બાઇક અચાનક નિયંત્રણ ગુમાવતા જોરદાર ધડાકા સાથે પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચલાવી રહેલા અનિલ મેઘાભાઈ બાવળીયાને માથા તેમજ શરીરના ભાગે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચવાના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અન્ય એક યુવાન ગંભીર: હોસ્પિટલ ખસેડાયો

આ અકસ્માતની ક્ષણે બાઇક પર પાછળ બેસેલો અન્ય વિદ્યાર્થી સંજય ઝવેરભાઈ પરાલીયા પણ રોડ પર પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ સમય સૂચકતા વાપરી તુરંત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

ઘટનાની માહિતી મળતાની સાથે જ સાયલા પોલીસ મથકનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 108ના પેરામેડિકલ સ્ટાફે ઇજાગ્રસ્ત સંજય પરાલીયાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ કટોકટીભરી સારવાર માટે તાત્કાલિક સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે રિફર કર્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જ્યારે મૃતક અનિલ બાવળીયાના દાદીમા અને પરિવારજનોને જાણ કરી તેના પૃથ્વી દેહને સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.