VADODRA NEWS: વડોદરા શહેર, જિલ્લા તેમજ દેશના અન્ય વિસ્તારોમાં ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓના પ્રખ્યાત શોરૂમ ધરાવતી જાણીતી એજન્સી ‘વિજય સેલ્સ ઇન્ડિયા’ના પદમલા ખાતે આવેલા મુખ્ય ગોડાઉનમાંથી લાખો રૂપિયાના માલસામાનની ચોરી થવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીના જ એક વિશ્વાસુ ટેમ્પો ડ્રાઈવરે છેલ્લા આઠ મહિના દરમિયાન કટકે-કટકે રૂ.17.17 લાખની કિંમતના એસી અને એલઈડી ટીવી બારોબાર સેરવી લીધા હોવાની વિગતો સામે આવતા વડોદરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ચોરીની ઘટના અંગે ‘વિજય સેલ્સ ઇન્ડિયા’ના પદમલા ગોડાઉનના ક્લસ્ટર મેનેજર નિકુંજ પાઠકે પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તાજેતરમાં ગોડાઉનમાં રાખવામાં આવેલા ઇલેક્ટ્રોનિક્સ સાધનોના સ્ટોકની નિયમિત ગણતરી કરવામાં આવી હતી. આ ગણતરી દરમિયાન રેકર્ડ પર બોલતા આંકડા અને ગોડાઉનમાં પ્રત્યક્ષ હાજર સ્ટોક વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો.
સ્ટોકમાં આટલી મોટી ઘટ કેમ આવી? તે જાણવા માટે કંપનીએ તાત્કાલિક ઓડિટ કરાવ્યું હતું અને ગોડાઉન પરિસરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ઝીણવટપૂર્વક ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન કંપનીના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, કંપનીમાં માલસામાનની ડિલિવરી કરવા માટે રાખેલા ટેમ્પાઓ પૈકીના એક ટેમ્પાનો ડ્રાઇવર દર્શન કંચનભાઈ વસાવા (રહેવાસી: સુગમપાર્ક સોસાયટી, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ, વડોદરા) શંકાસ્પદ હિલચાલ કરી રહ્યો હતો. ડ્રાઈવર દર્શનને શોરૂમ પર ડિલિવરી કરવા માટે જે સાધનો સત્તાવાર રીતે સોંપવામાં આવ્યા હતા.
તેના કરતાં તે છૂપી રીતે ટેમ્પામાં વધુ 10 નંગ એસી અને1 નંગ એલઇડી ટીવી મુકતો કેમેરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. આ ફૂટેજ સામે આવ્યા બાદ કંપનીએ વધુ ઊંડાણપૂર્વક આંતરિક તપાસ આદરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે ડ્રાઈવર દર્શન વસાવા છેલ્લા આઠ મહિનાના સમયગાળા દરમિયાન કંપનીની નજર ચૂકવીને કટકે-કટકે સામાન ચોરી રહ્યો હતો,કંપનીના મેનેજરની ફરિયાદના આધારે પોલીસે ડ્રાઇવર દર્શન વસાવા સામે ચોરી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ચોરી કરાયેલો આ કિંમતી સામાન ડ્રાઈવરે ક્યાં છુપાવ્યો છે અથવા કોને સસ્તા દામમાં વેચી માર્યો છે, તે દિશામાં પોલીસ કડક પૂછપરછ કરશે. બીજી તરફ, કંપની પ્રશાસન દ્વારા આ કૌભાંડમાં અન્ય કોઈ કર્મચારી કે બહારની વ્યક્તિ સામેલ છે કે કેમ, તે જાણવા માટે છેલ્લા આઠ મહિનાના અન્ય તમામ સીસીટીવી ફૂટેજની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.




