Gujarat Ni Vaat

હાથમાં મોંઘું પર્સ ને મોઢેથી અંગ્રેજી, પણ દાનત ચોરીની! વડોદરાના જ્વેલર્સ શોપમાં મહિલા સોનું મોંમાં છુપાવતા રંગેહાથ ઝડપાઈ

Share On :

VADODARA NEWS: સંસ્કારી નગરી વડોદરાના પોશ ગણાતા રેસકોર્સ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં આવેલા પ્રખ્યાત ‘મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ’ શો-રૂમમાં ખરીદીના બહાને આવેલી એક હાઈપ્રોફાઈલ મહિલા સોનાની વીંટીની ચોરી કરતા રંગેહાથ ઝડપાઈ ગઈ છે. હાથમાં મોંઘું પર્સ, માથે બ્રાન્ડેડ ગોગલ્સ (ચશ્મા) અને અસ્ખલિત અંગ્રેજી ભાષા બોલતી આ મહિલાને જોઈને પ્રથમ નજરે કોઈ કલ્પના પણ ન કરી શકે કે તે એક રીઢો ચોર હોઈ શકે છે. જોકે, શો-રૂમ સ્ટાફની સતર્કતાને કારણે આ હાઈપ્રોફાઈલ મહિલાનો ભાંડો ફૂટી ગયો છે.

ખરીદીના બહાને આવી અને મોંમાં છુપાવી વીંટી

મળતી માહિતી મુજબ, આ મહિલા પોતે ખૂબ જ પ્રતિષ્ઠિત અને સારા પરિવારમાંથી આવતી હોવાનો ઢોંગ કરીને શો-રૂમમાં પ્રવેશી હતી. તેણે સેલ્સમેન પાસે સોના-ચાંદીના દાગીના જોવા માટે કઢાવ્યા હતા. સેલ્સમેનની નજર ચૂકવીને મહિલાએ ચાલાકીપૂર્વક સોનાની એક કિંમતી વીંટી પોતાના મોંમાં છુપાવી દીધી હતી અને ત્યાંથી સરકી જવાની ફિરાકમાં હતી. પરંતુ દાગીનાની ગણતરી વખતે એક વીંટી ઓછી જણાતા સ્ટાફને શંકા ગઈ હતી. તુરંત જ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા મહિલાની આ કાળી કરતૂત કેમેરામાં સ્પષ્ટ દેખાઈ આવી હતી.

પોલીસને જોતા જ રૂઆબ ગાયબ, ઘૂંટણીએ પડી માંગી માફી

ચોરી પકડાઈ જતાં જ શો-રૂમના સંચાલકોએ વિલંબ કર્યા વિના પોલીસને જાણ કરી હતી. પોલીસ ગણતરીની મિનિટોમાં જ શો-રૂમ પર પહોંચી ગઈ હતી. પોલીસને સામે જોતાં જ મહિલાનો મોંઘો રૂઆબ, અંગ્રેજી ભાષાનો ટાંક અને ચહેરાના હાવભાવ ગાયબ થઈ ગયા હતા. પોતાની સામાજિક આબરૂ ધૂળમાં મળતી જોઈ મહિલા ગભરાઈ ગઈ હતી અને પોલીસ તથા શો-રૂમના સ્ટાફના પગે પડી ગઈ હતી. તે ઘૂંટણીએ બેસી, બે હાથ જોડીને રડતા-રડતા કરગરવા લાગી હતી અને વારંવાર માફી માંગવા લાગી હતી.

પોલીસે અટકાયત કરી તપાસ શરૂ કરી

બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મહિલાની અટકાયત કરી લીધી છે. જ્યારે પોલીસ તેને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશને લઈ જવા નીકળી, ત્યારે આ હાઈપ્રોફાઈલ ચોર મહિલા લોકો અને કેમેરા સામે પોતાનું મોં છુપાવતી જોવા મળી હતી. પોલીસે હાલ સીસીટીવી ફૂટેજ કબજે કરીને મહિલા વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ મહિલા અગાઉ અન્ય કોઈ જ્વેલર્સ શો-રૂમમાં આવી ચોરી કરી ચૂકી છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.