NARMDA NEWS: સરકારની આરોગ્યલક્ષી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મહત્વની કડી સમાન આશા વર્કર બહેનો આજે નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે મોટી સંખ્યામાં એકઠી થઈ હતી. છેલ્લા 3 મહિનાથી મહેનતાણું (ઇન્સેન્ટિવ) અને પગાર ન મળવાના કારણે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી આશા વર્કર બહેનોએ રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈને વહીવટી તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. બહેનોએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને પોતાની પડતર માગણીઓ અંગેનું આવેદનપત્ર સુપ્રત કરી જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં તમામ આરોગ્યલક્ષી કામગીરી ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આવેદનપત્ર આપવા પહોંચેલી આશા વર્કર બહેનોએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, “અમને સરકાર તરફથી માત્ર બે હજાર રૂપિયા જેવું મામૂલી ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. આજના આટલી અસહ્ય મોંઘવારીના જમાનામાં બે હજાર રૂપિયામાં તો તેલનો એક ડબ્બો પણ ખરીદી શકાતો નથી. તેમાં પણ ઘોર આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી અમને આ નજીવું મહેનતાણું પણ ચૂકવવામાં આવ્યું નથી.” પગાર અને ભથ્થા અટકી પડવાના કારણે આશા બહેનોના પરિવારોને ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે અને તેઓ દેવાના બોજ તળે દબાવા મજબૂર બન્યા છે. બહેનોએ ફિક્સ પગાર કરવાની અને પ્રોત્સાહન રકમમાં તાત્કાલિક 50 ટકાનો વધારો સમયસર આપવાની ઉગ્ર માંગ કરી છે.
નર્મદા જિલ્લાની 700થી વધુ આશા વર્કર બહેનો ગ્રામ્ય સ્તરે સગર્ભા મહિલાઓની સારસંભાળથી લઈને રસીકરણ સહિતની તમામ આરોગ્યલક્ષી કામગીરી રાત-દિવસ જોયા વગર કરે છે. આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે જ્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાની વહીવટી ભૂલ સ્વીકારી હતી કે છેલ્લા ત્રણ મહિનાથી ચૂકવણી થઈ નથી. તેમણે બચાવ કરતા જણાવ્યું હતું કે, હાલમાં ઓનલાઈન સિસ્ટમમાં મોટો ટેકનિકલ ફેરફાર (અપગ્રેડેશન) થયો હોવાના કારણે પગાર થઈ શક્યો નથી.
આશા વર્કર મંડળના અગ્રણીઓએ સત્તાવાળાઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં તમામ બાકી નીકળતો પગાર, ચૂંટણી ઇન્સેન્ટિવ અને ડિલિવરી ભથ્થું ચૂકવવામાં નહીં આવે, તો નર્મદા જિલ્લાની તમામ 700થી વધુ આશા બહેનો સામૂહિક રજા પર ઉતરી જશે અને તમામ સરકારી આરોગ્યલક્ષી યોજનાઓ બાયકોટ કરી કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ કરી દેશે, જેની તમામ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે.




