Gujarat News : ગુજરાતના નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યોને વેગ આપવા માટે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ સચિવો સાથે મળીને રાજ્યના વિવિધ માર્ગ પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. નવેમ્બર 2025માં યોજાયેલી અગાઉની બેઠક બાદ પ્રોજેક્ટ્સમાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેતા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ને ભાવનગર સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેની કામગીરી આગામી 3 મહિનામાં શરૂ કરવામાં આવશે.

જમીન સંપાદનનું ગુજરાત મોડલ અને પર્યાવરણ જાળવણી પર ભાર
બેઠકમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીન સંપાદનની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી. પ્રોજેક્ટના DPR તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનોના બિનખેતી મંજૂરીના કિસ્સામાં 60 દિવસ સુધી કાર્યવાહી સ્થગિત રાખવાના ગુજરાતના મોડલને નીતિન ગડકરીએ સમગ્ર દેશ માટે અનુકરણીય ગણાવ્યું હતું. આ ઉપરાંત, વિકાસ અને પર્યાવરણના સંતુલન પર વિશેષ ભાર મૂકતા તેમણે નિર્દેશ આપ્યો હતો કે રોડ વિસ્તરણ દરમિયાન અલાઈનમેન્ટમાં આવતા વૃક્ષોને કાપવાને બદલે તેને તે જ માર્ગ પર અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. આ સાથે જ સેન્ટ્રલ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો મહત્તમ લાભ લેવા માટે રાજ્ય સરકારને ઝડપથી દરખાસ્તો મોકલવા સૂચના આપવામાં આવી હતી.

પાલનપુર-સામખિયાળી સહિતના મહત્વના પ્રોજેક્ટ્સની સમીક્ષા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર-સામખિયાળી કોરિડોરના કામોમાં ઝડપ લાવવા માટે ખાસ આગ્રહ કર્યો હતો. બેઠકમાં વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48 ના સિક્સ લેન પ્રોજેક્ટ, સામખિયાળી-માળિયા સેક્શન, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડ, જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે અને અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટ્સની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના વિવિધ વિભાગો વચ્ચેના સુચારુ સંકલનના પરિણામે જમીન સંપાદન સહિતના કામોમાં મળેલી ગતિ બદલ મુખ્યમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં મહેસૂલ અને સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવો, NHAI ના ટેકનિકલ સભ્યો અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




