Gujarat Ni Vaat

સુરતના પાંડેસરામાં પાણી ભરાતા NDRF ની ટીમે નવજાત શિશુ – સગર્ભાઓ સહિતના જીવ બચાવ્યા

Share On :

SURAT NEWS: સુરત શહેરમાં ખાડી પૂરની પ્રકોપ વચ્ચે બે વિપરીત ચિત્રો સામે આવ્યા છે. એક તરફ મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલતા રોડ-રસ્તાઓ ધોવાઈ જવાથી નાગરિકોમાં ભારે આક્રોશ છે, તો બીજી તરફ મુશ્કેલીની આ ઘડીમાં સુરત પોલીસ અને NDRF ની ટીમો દેવદૂત બનીને લોકોના જીવ બચાવી રહી છે. ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે ડિંડોલી વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ડિંડોલી દીપ દર્પણ સ્કૂલ નજીક આવેલો મુખ્ય હાઈવે અને અન્ય રસ્તાઓ પૂરના પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. રસ્તાઓ તૂટી જવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જ્યાં રસ્તા તૂટ્યા છે તેની બિલકુલ નજીક એક બાંધકામ સાઇટ પણ ચાલી રહી છે, અને સમગ્ર રોડના નિર્માણમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું નજરે પડે છે. એક તરફ આખું શહેર પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે વહીવટી તંત્રના આવા લોલમલોલ કામને કારણે પ્રજામાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.બીજી તરફ, પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. બમરોલી ખાતે આવેલી ‘લક્ષ્મી હોમ્સ’ સોસાયટીમાં ગઈકાલથી પૂરના પાણી ભરાયેલા હોવાથી લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા સોશિયલ મીડિયા અને વહીવટી તંત્રને મદદ માટે મેસેજ મોકલવામાં આવ્યો હતો.

આ કટોકટીભર્યા સંદેશાની ગંભીરતા સમજીને પાંડેસરા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે. ડી. જાડેજા અને તેમનો સ્ટાફ તુરંત એક્શનમાં આવ્યો હતો. તેમણે તાત્કાલિક સ્થળ પર NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમને બોલાવી લીધી હતી અને સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.પાણીના ભારે પ્રવાહ વચ્ચે પોલીસે NDRF ના જવાનો સાથે બોટ મારફતે સોસાયટીમાં પ્રવેશીને અત્યંત જટિલ પરિસ્થિતિમાં ફસાયેલા 100 જેટલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આ રેસ્ક્યૂ ઓપરેશનમાં ખાસ કરીને સૌથી વધુ જોખમમાં રહેલા લોકોને અગ્રતા આપવામાં આવી હતી,પોલીસ કર્મચારીઓએ ૨૫ દિવસના માસૂમ બાળકને કાળજીપૂર્વક તેડીને અને સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે બોટમાં બેસાડી બહાર કાઢ્યા હતા. મુશ્કેલીના સમયે દેવદૂત બનેલી પાંડેસરા પોલીસ અને પી.આઈ. કે. ડી. જાડેજાની આ સમયસૂચકતાને સુરતના નાગરિકો સોશિયલ મીડિયા પર બિરદાવી રહ્યા છે. હાલ તમામ અસરગ્રસ્તોને સલામત આશ્રયસ્થાને ખસેડી ભોજન અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે.