KUTCH NEWS: કચ્છની સરહદેથી ફરી એકવાર ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા કચ્છના લખપત પંથકમાંથી અમેરિકન નેવીનું માર્કિંગ ધરાવતું એક સંદિગ્ધ કન્ટેનર મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. લખપત નજીક ક્રીક વિસ્તારમાં આવેલા બકલ બેટ પરથી સીમા સુરક્ષા બળના જવાનોને આ કન્ટેનર મળી આવ્યું છે.
પેટ્રોલિંગ દરમિયાન મળ્યું કન્ટેનર
મળતી માહિતી મુજબ, કચ્છની દરિયાઈ અને ક્રીક સરહદ પર દેશની સુરક્ષા કાજે તૈનાત બીએસએફ (BSF) ના જવાનો જ્યારે બકલ બેટ નજીક નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમને આ રહસ્યમય કન્ટેનર લાવારિસ હાલતમાં પડ્યું હોવાનું નજરે પડ્યું હતું. કન્ટેનર પર અમેરિકન નેવી (US Navy) ના હોવાનો ઉલ્લેખ અને માર્કિંગ જોતા જ જવાનો સતર્ક થઈ ગયા હતા અને તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને આ અંગે વાકેફ કર્યા હતા.
કન્ટેનર ખોલતા હાઇડ્રોલિક પંપ મળ્યો
સુરક્ષાના કડક પ્રોટોકોલ હેઠળ જ્યારે આ કન્ટેનરને ખોલવામાં આવ્યું ત્યારે તેમાંથી એક હાઇડ્રોલિક પંપ મળી આવ્યો હતો. આ પંપ હાઈ-ટેક ટેકનોલોજીનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. દરિયાઈ પ્રવાહમાં તણાઈને આ કન્ટેનર ભારતીય સરહદમાં ઘૂસી આવ્યું છે કે પછી આની પાછળ કોઈ અન્ય ભેદ છે, તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી છે.
એરફોર્સ દ્વારા સઘન તપાસ શરૂ
સરહદી વિસ્તારમાંથી અમેરિકન નેવીના માર્કિંગવાળું કન્ટેનર મળવાની ઘટના અત્યંત સંવેદનશીલ હોવાથી ભારતીય વાયુસેના એ આ સમગ્ર મામલાની તપાસ પોતાના હસ્તક લીધી છે. એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ દ્વારા આ કન્ટેનર અને તેમાંથી મળી આવેલા હાઇડ્રોલિક પંપનું બારીકાઈથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપકરણનો ઉપયોગ શાના માટે થતો હતો અને તે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ પાર કરીને અહીં સુધી કેવી રીતે પહોંચ્યું, તે તમામ પાસાઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસપાસના સરહદી વિસ્તારોમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી દેવામાં આવી છે.




