Kwant Taluka Panchayat : ‘લાલચ બુરી બલા હૈ’ એટલે કે લોભ એ માણસને વિનાશ તરફ દોરી જાય છે, આ કહેવત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં અક્ષરશઃ સાચી સાબિત થઈ છે. વિકાસના કામોના બિલો મંજુર કરવા માટે સરકારી નાણાંમાંથી કમિશનની લાલચ રાખવી એક સરકારી અધિકારીને ભારે પડી ગઈ છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાંથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે એસીબી દ્વારા એક સફળ ટ્રેપ કરીને ભ્રષ્ટ અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો છે. કવાંટ તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા હર્ષવર્ધન કાશીરામ પટેલ, ઉંમર વર્ષ 35, નાઓને એસીબીની ટીમે રૂ. 11,500 ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા છે. મૂળ નવસારી જિલ્લાના વાસદા તાલુકાના માનકુનીયા ગામના બારીફળીયાના વતની અને હાલ કવાંટમાં પી પાવર રેસ્ટોરન્ટની સામે નસવાડી રોડ પર રહેતા આ ભ્રષ્ટ સરકારી કર્મચારી સામે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી યોજનાઓ અને વિકાસના કામોમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે એસીબી વડોદરા અને નર્મદાની ટીમ દ્વારા આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
વિકાસ કામોના બિલો મંજુર કરવા માટે માંગી હતી મોટી રકમ
આ સમગ્ર મામલાની ટૂંકી વિગત એવી છે કે, એક જાગૃત નાગરિક દ્વારા વર્ષ 2025 માં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજુર થયેલા બે અલગ-અલગ વિકાસ કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા. જેમાં સંરક્ષણ દિવાલના નિર્માણ માટે રૂ. 2,50,000/- મંજુર થયા હતા, જેમાંથી રૂ. 2,30,000/- ના ખર્ચે દિવાલ તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત નાગરિકના ગામ પાસે મજૂર કલ્યાણ કેન્દ્ર હોલના નિર્માણ માટે પણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 5,00,000/- મંજુર થયેલા હતા. આ બંને કામો જાગૃત નાગરિકે પોતાના સ્વ-ખર્ચે પહેલાથી જ પૂરા કરી દીધા હતા. આ બંને વિકાસ કામો પૂર્ણ થયા બાદ તેના ફાઈનલ બિલો મંજુર કરાવવા માટે નાગરિકે કવાંટ તાલુકા પંચાયતની બાંધકામ શાખાનો સંપર્ક કર્યો હતો. જ્યાં ફરજ પર રહેલા અધિક મદદનીશ ઇજનેર હર્ષવર્ધન પટેલે કુલ રકમના 5 ટકા લેખે રૂ. 37,000 ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ લાંબી રકઝકના અંતે રૂ. 35,000 આપવાનું નક્કી થયું હતું.
જાગૃત નાગરિકે લાંચ આપવાના બદલે એસીબીનો સંપર્ક કર્યો
આ કામના ફરિયાદી એવા જાગૃત નાગરિક આ ભ્રષ્ટ કર્મચારીને પોતાના હકના નાણાંમાંથી કોઈ પણ પ્રકારની લાંચ આપવા માંગતા ન હતા. ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનું નક્કી કરીને તેઓએ તાત્કાલિક લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) નો સંપર્ક સાધ્યો હતો અને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. નાગરિકની ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા તારીખ 07/07/2026 ના રોજ કવાંટ તાલુકા પંચાયત કચેરી ખાતે લાંચના છટકાનું ચોક્કસ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્લાન મુજબ જ્યારે ફરિયાદી ઓફિસે પહોંચ્યા ત્યારે ભ્રષ્ટ ઇજનેરે બંને કામો પૈકી માત્ર એક કામ એટલે કે સંરક્ષણ દિવાલના બિલના અવેજ પેટે રૂ. 11,500 ની લાંચની માંગણી કરી હતી.
એસીબીની ટીમે પંચોની હાજરીમાં આરોપીને ઓફિસમાંથી જ દબોચ્યો
જેવા ફરિયાદીએ રૂ. 11,500 ની લાંચની રકમ આરોપી હર્ષવર્ધન પટેલને આપી, કે તરત જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ આસપાસ ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ પકડી લીધો હતો. એસીબી દ્વારા લાંચની સ્વીકારેલી તમામ રકમ એટલે કે રૂ. 11,500/- સ્થળ પરથી જ સફળતાપૂર્વક રિકવર કરી લેવામાં આવી છે. આ સફળ ટ્રેપની કામગીરી નર્મદા એસીબી પોલીસ સ્ટેશન રાજપીપલાના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.વસાવા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન એસીબી વડોદરા એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એમ.પટેલના સુપરવિઝન હેઠળ તેમજ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડોદરાના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી બળદેવ દેસાઈ (IPS)ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું અને આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરાઈ છે.




