Gujarat Ni Vaat

ભુજમાં RTO નજીક કાર અને છકડો રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર, 5 લોકો લોહીલુહાણ!

Share On :

KUTCH NEWS: કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, હાઇવે પર આવેલા RTO કાર્યાલય નજીક, VBC વાડીની બિલકુલ સામે એક પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને પેસેન્જર ભરેલી છકડો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ કાળજું કંપાવી દેનારી ટક્કરમાં છકડો રિક્ષામાં સવાર 5 જેટલા મુસાફરોને નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે છકડો રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ભુજના RTO રોડ પરથી મુસાફરો ભરીને પસાર થઈ રહેલી એક છકડો રિક્ષાને સામેથી આવી રહેલી એક કારે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત VBC વાડીની સામે મુખ્ય માર્ગ પર સર્જાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે છકડો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને તેને ભારે નુકસાન પહોંચ્યું હતું. રિક્ષાના આગળના ભાગના કુચ્ચેકુચ્ચા ઉડી ગયા હતા. અકસ્માત થતાં જ રિક્ષામાં સવાર મુસાફરો રોડ પર ફંગોળાયા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા.

આ અકસ્માતમાં છકડો રિક્ષામાં સવાર પાંચ જેટલા લોકોને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો તાત્કાલિક ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ માનવતા દાખવીને રિક્ષામાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને અકસ્માત અંગે તાત્કાલિક ધોરણે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ તેમજ સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત પાંચેય નાગરિકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ફરજ પરના તબીબો દ્વારા ઇજાગ્રસ્તોની સારવાર તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ઇજાગ્રસ્તો પૈકી એકથી બે લોકોની હાલત ગંભીર હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર અકસ્માતના કારણે થોડો સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. કાર ચાલકની બેદરકારી કે અન્ય કોઈ કારણોસર અકસ્માત સર્જાયો છે તે દિશામાં પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે.