KUTCH NEWS: કચ્છ જિલ્લાના નલિયા-કોડારા હાઇવે પર આજે એક અત્યંત ગમખ્વાર અને ભયંકર અકસ્માત સર્જાયો છે. હાઇવે પર પૂરપાટ ઝડપે જઈ રહેલા બે મોટા ટેન્કરો વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ટક્કર થતાંની સાથે જ બંને ટેન્કરોમાં બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.
આકાશમાં ઉઠ્યા ધુમાડાના ગોટેગોટા
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ લાગેલી આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને ટેન્કરો આગની ચપેટમાં આવી જતાં હાઇવે પર દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ગોટેગોટા અને આગની જ્વાળાઓ દેખાતી હતી. આ અકસ્માતને પગલે રોડની બંને બાજુએ વાહનો થંભી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ટેન્કરમાં કોઈ જ્વલનશીલ પદાર્થ અથવા કેમિકલ હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે આગે આટલું વિકરાળ સ્વરૂપ લીધું હતું.
તંત્ર હરકતમાં: ફાયર ફાઈટરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત ઉઠાવીને પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસ દ્વારા હાઇવે પર ચુસ્ત બંદોબસ્ત અને ડાયવર્ઝન
કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે પોલીસ પ્રશાસન દ્વારા તુરંત જ નલિયા-કોડારા હાઇવે પરનો વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે અને ટ્રાફિકને અન્ય માર્ગે ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ટેન્કરોના ચાલકો અને ક્લીનરની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગત બહાર આવી નથી. પોલીસ હાલ આગને શાંત પાડવા તેમજ હાઇવેને પુનઃ કાર્યરત કરવા માટે બચાવ કામગીરી પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.




