CRICKET NEWS: લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો સકારાત્મક નિર્ણય કર્યો હતો. ભારતીય ઓપનર્સે ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત કૌરે મોરચો સંભાળતા માત્ર 27 બોલમાં 56 રનની આક્રમક અને કેપ્ટનશિપ ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી થયેલા આ શાનદાર પ્રદર્શનના આધારે ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 170 રનનો મજબૂત સ્કોર બોર્ડ પર મૂક્યો હતો.
171 રનના પડકારજનક લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત મધ્યમ રહી હતી, પરંતુ અનુભવી ઓલરાઉન્ડર એલિસ પેરી અને એશ્લે ગાર્ડનરે ભારતીય બોલિંગ આક્રમણને વેરવિખેર કરી નાખ્યું હતું. એલિસ પેરીએ 57 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ટીમની જીતનો પાયો નાખ્યો હતો, જ્યારે એશ્લે ગાર્ડનરે અંત સુધી ક્રિઝ પર ટકી રહીને અણનમ ૫૩ રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 19 ઓવરમાં જ માત્ર 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય આસાનીથી હાંસલ કરી લીધું હતું અને ૬ વિકેટે મેચ પોતાના નામે કરી લીધી હતી.
આ હાર સાથે જ કરોડો ભારતીય ક્રિકેટ ચાહકો અને મહિલા ટીમનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ભારત સતત બીજી વખત મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયું છે, જે ટીમ મેનેજમેન્ટ અને પ્રદર્શન પર સવાલો ઊભા કરે છે. બીજી તરફ, ગ્રુપ A માંથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમોએ શાનદાર પ્રદર્શનના જોરે સેમિફાઇનલની ટિકિટ પાકી કરી લીધી છે.




