arvalli news: અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચએ એક અત્યંત શાતીર અને રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે. આ ગેંગ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં રીક્ષામાં મુસાફરી કરતી ભોળી મહિલાઓને પેસેન્જર બનીને નિશાન બનાવતી હતી. આ ટોળકી એક મહિલા સાગરીતને સાથે રાખીને રીક્ષામાં બેસતી અને અન્ય મહિલા મુસાફરો સાથે સ્નેહપૂર્વક વાતો કરી, તેમનું ધ્યાન ભટકાવીને ગળામાંથી સોનાના દાગીના અને ચેઇનની ચોરી કરી નો-દો-ગ્યારાહ થઈ જતી હતી. પોલીસે આ ગેંગના બે મુખ્ય સાગરીતોને ઝડપી પાડી સમગ્ર રાજ્યના ૪૭ જેટલા વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
બાતમીના આધારે ગુલબર્ગ હોટલ પાસેથી કરાઈ ધરપકડ
અરવલ્લી જિલ્લામાં તાજેતરમાં બનેલી ચેઇન સ્નેચિંગની ઘટનાઓને ગંભીરતાથી લઈને જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજાએ LCB ટીમને પેટ્રોલિંગ અને તપાસના કડક આદેશ આપ્યા હતા. આ દરમિયાન LCB પોલીસને ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારો પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે, મોડાસાની ગુલબર્ગ હોટલ પાસે બે શંકાસ્પદ ઇસમો કોઈ ગુનાને અંજામ આપવાની ફિરાકમાં ઉભા છે. પોલીસે સમયસૂચકતા વાપરી તુરંત જ ત્યાં વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં ઉભેલા બંને આરોપીઓની અટકાયત કરી લીધી હતી.
કડક પૂછપરછમાં ખુલી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી
પોલીસ સ્ટેશને લાવીને જ્યારે આરોપીઓની કડક ભાષામાં પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેમની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ સલમાન પઠાણ અને વીક્રમ દાંતાણી તરીકે થઈ છે. આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ ફેબ્રુઆરી માસ દરમિયાન અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય હતા અને ત્યાં તેઓએ બે સોનાના ચેઇનની ચોરી કરી હતી. પોલીસે તેમની પાસેથી રૂપિયા 97,600ની કિંમતના ચોરીના સોનાના ચેઇન રિકવર કર્યા છે.
સમગ્ર ગુજરાતમાં 47 ગુના અને અન્ય બે સાગરીતો ફરાર
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલેલી વિગતો અનુસાર, આ કોઈ નાની-મોટી ચોર ટોળકી નથી પરંતુ આંતર-જિલ્લા ગેંગ છે. આ રીઢા ગુનેગારોએ ભેગા મળીને સમગ્ર ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 જેટલા ચોરી અને ચેઇન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપ્યો છે.




