Gujarat Ni Vaat

Vadodara Rain: અડધી રાતે ત્રણ કલાકમાં બે ઈંચ વરસાદ, અચાનક વરસાદથી શહેરમાં પાણી ભરાયા, જનજીવન પર અસર

Share On :

Vadodara Rain News: વડોદરા શહેરમાં કાતરક મહિનામાં અચાનક અષાઢી માહોલ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન હવે ઓમાન તરફ ખસી ગયાં હોવા છતાં, તેની અસર ગુજરાતમાં યથાવત રહી છે. તેના કારણે વડોદરામાં સતત બીજા દિવસે મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો હતો. આ વરસાદ લગભગ ત્રણ કલાક સુધી ચાલુ રહ્યો હતો અને શહેરમાં સરેરાશ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. અચાનક પડેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા.

મોડી રાત્રે પડેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠા પર અસર

કારેલીબાગ, રાવપુરા, માંડવી, લહેરીપુરા અને જુના પાદરા રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અલકાપુરીને જોડતા રેલવે અંડરબ્રિજ ખાતે પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ બની ગયો હતો. મોડી રાત્રે પડેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠા પર પણ અસર જોવા મળી હતી.

હવામાન વિભાગના અનુમાન મુજબ, આવનારા 1 નવેમ્બર સુધી શહેર અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. હાલ તાપમાનમાં 5 થી 6 ડિગ્રીનો ઘટાડો નોંધાતા ઠંડકભર્યું વાતાવરણ છવાઈ ગયું છે. શિયાળાની શરૂઆત પહેલાં જ શહેરમાં હિલસ્ટેશન જેવો માહોલ સર્જાયો છે.

નાગરિકોમાં ઠંડક અને ભેજ વધતાં આનંદ સાથે ચિંતા પણ જોવા મળી રહી છે, કારણ કે આવી પરિસ્થિતિમાં ડેન્ગ્યુ, મલેરિયા અને વાયરસજન્ય તાવ જેવા રોગચાળાની સંભાવના વધી શકે છે. હેલ્થ વિભાગે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.

અણધાર્યા વરસાદે શહેરી તંત્રની તૈયારીની કસોટી પણ લીધી છે. વરસાદી પાણીના નિકાલમાં વિલંબ થવાને કારણે અનેક વિસ્તારોમાં નાગરિકો રાતભર પરેશાન રહ્યા હતા. તંત્ર દ્વારા હાલમાં ડ્રેનેજ સફાઈ અને પાણી નિકાલના કામો હાથ ધરાયા છે, છતાં આવનારા દિવસોમાં વરસાદ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. કાતરકના મહિને વરસેલો આ અચાનક વરસાદ વડોદરાવાસીઓને અષાઢની યાદ અપાવી રહ્યો છે. શહેરમાં ઝરમર વરસાદ અને ઠંડક ભરેલા માહોલ વચ્ચે નાગરિકો ચા અને પકોડાની મોજ માણતા જોવા મળી રહ્યા છે.