ચેતન પુરોહિત, અમદાવાદઃ
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં એક અતિ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને જોઈને પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સામાન્ય રીતે સાયન્સ ફિક્શન ફિલ્મોમાં જોવા મળતું હોય છે કે મેડિકલ સ્ટડી કે કોઈ રિએક્શનના કારણે શરીરમાં મોટું પરિવર્તન આવે છે, અને પછી દવાની અસર ઓછી થતાં વ્યક્તિ સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. જોકે, અમદાવાદમાં આ પ્રકારની ઘટના ખરેખરમાં બની છે.
અહીં એક 20 વર્ષનો યુવાન ભર યુવાનીમાં જ 60 વર્ષના વૃદ્ધ જેવો દેખાવા લાગ્યો છે. જેને હજી આખી જિંદગીના સપના પૂરા કરવાના હતા તેવા આ યુવાનને હવે થોડા મહિના પહેલાં મળેલા લોકો પણ ઓળખી શકતા નથી. આ મામલે ચોંકાવનારી વિગતો ક્રાઇમ બ્રાંચ સુધી પહોંચી હતી જ્યારે તે મેડિકલ સ્ટડી અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની તપાસ કરી રહી હતી.
કઈ રીતે યુવાન બન્યો ભોગ?
અમદાવાદ ક્રાઇમ બ્રાંચને એક તપાસ માટે જોડવામાં આવી હતી જે અમદાવાદ નજીક થતા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિશે હતી. આ તપાસ દરમિયાન જ લોકાના જીવ સાથે ખેલ થઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે જુહાપુરાના આ યુવાને મેડિકલ સ્ટડી માટે એક ફાર્મા કંપની સાથે કરાર કર્યો હતો. પોલીસને જાણવા મળ્યું છે કે આ મેડિકલ સ્ટડીમાં જોડાતા પહેલાં યુવાનને કદાચ રૂપિયાની જરૂર હતી અને તે કોઈ પરિચિત મારફતે કંપની સુધી પહોંચ્યો હતો.
થોડાક રૂપિયા મેળવવા માટે તેણે જાણે પોતાના ડેથ વોરંટ પર સહી કરી દીધી હોય તેવી તેની હાલત થઈ છે. આ સ્ટડીમાં જે દવાઓનો ટેસ્ટ કરવામાં આવ્યો તેની શરીર પર ખૂબ જ ગંભીર અસર થઈ છે. આ પ્રક્રિયાને કારણે તેની તબિયત બગડવા લાગી અને હાલમાં 20 વર્ષનો યુવક 60 વર્ષના વૃદ્ધ જેવો દેખાય છે.
પોલીસની તપાસ અને મેડિકલ સ્ટડીની પ્રક્રિયા
અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર, આ કેસ તેમની પાસે આવ્યો છે અને પીઆઇ કક્ષાના અધિકારી દ્વારા તેની તપાસ ચાલી રહી છે. હાલમાં કયા ટેસ્ટ કરવામાં આવ્યા તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ યુવાનની સારવાર ચાલી રહી છે અને ક્રાઇમ બ્રાંચ આ સારવાર કરાવવા સુધીની આખી પ્રક્રિયા પર વોચ રાખી રહી છે. આ રેકેટમાં મહત્વની તપાસ માટે હવે હેલ્થ વિભાગને જોડવાની તૈયારીઓ થઈ રહી છે, જેના માટે હજી કેન્દ્રના પત્રની રાહ જોવાઈ રહી છે.
ભારતમાં ઘણી જગ્યાએ મેડિકલ સ્ટડી કરવામાં આવે છે જેમાં દવાઓ કે ઇન્જેક્શન બજારમાં આવે તે પહેલાં પશુ-પક્ષીઓ અને મનુષ્યો પર પણ ટેસ્ટ કરવામાં આવે છે. સામાન્ય રીતે ગરીબ પરિવારના લોકો આ ટેસ્ટ માટે નિશાન બનતા હોય છે. સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ, મેડિકલ કંપનીઓ એક દિવસથી લઈને સપ્તાહ કે મહિનાઓ સુધી દવાના ડોઝ આપીને રિસર્ચ કરે છે અને તેના બદલામાં 5 હજારથી 15 હજાર રૂપિયા સુધી ચૂકવતી હોય છે. ગરીબ લોકો રૂપિયાની લાલચમાં સ્ટડી માટે તૈયાર થઈ જાય છે અને કંપનીઓ તેના માટે એક ફોર્મ પણ ભરાવે છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે. યુવાનની હાલત દયનીય થઈ છે અને પોલીસ હવે તેના પર કઈ મેડિકલ સ્ટડી થઈ તેની તપાસ કરી રહી છે.
